અમદાવાદના ચાંદખેડામાં SMC દ્વારા ગેરકાયદે હુક્કા બાર ઝડપાયો!
- ઝુંડલ ગરનાળા પાસે આવેલા 'ચેરીશ કાફે'માં પોલીસના દરોડા!
- હર્બલના નામે પીરસાતા નિકોટિન અને તમાકુયુક્ત હુક્કા જપ્ત!
- કાફે સંચાલક અને ચાર કર્મચારીઓ સામે નામજોગ ગુનો નોંધાયો!
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ઝુંડલ ગરનાળા પાસેના 'ચેરીશ કાફે'માં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કા બારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
SMC ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરેલી આ કાર્યવાહીમાં હર્બલના નામે ગ્રાહકોને નિકોટિન અને તમાકુયુક્ત ફ્લેવરવાળા હુક્કા પીરસવામાં આવી રહ્યા હોવાનું સાબિત થયું હતું.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી હુક્કા, પાઈપ, હુક્કા બેઝ, ચિલમ, કોલસો અને ફ્લેવર સહિત કુલ 62,100 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે સરખેજના કાફે સંચાલક અબ્દુલ હમીદ અબ્દુલ બારી શેખ તેમજ આસામના ચાર કામદારો સામે નામજોગ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ (COTPA) તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
યુવાધન સાથે ચેડાં કરતા ગેરકાયદે હુક્કા બાર અને તંત્રની લાલ આંખ
શહેરોમાં કાફે અને રેસ્ટોરન્ટની આડમાં ચાલતા ગેરકાયદે હુક્કા બાર યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું મોટું સાધન બન્યા છે. હર્બલ ફ્લેવરના નામે ગ્રાહકોને નિકોટિન અને તમાકુયુક્ત હુક્કા પીરસવાના આ ગતકડાં કાયદાની આંખમાં ધૂળ નાખવા સમાન છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ચાંદખેડાના આ કાફે પર કરવામાં આવેલી રેડ દર્શાવે છે કે જો કડક બાતમી અને આયોજનબદ્ધ તપાસ કરવામાં આવે તો આવા અસામાજિક વ્યવસાયોનો પર્દાફાશ થઈ શકે છે. યુવાનોના આરોગ્ય સાથે ખેલ કરતા આવા સંચાલકો સામે માત્ર માલ જપ્ત કરવાના બદલે દાખલારૂપ અને સખત કાનૂની પગલાં લેવા અનિવાર્ય છે જેથી આવા ગેરકાયદે ધંધાઓ પર કાયમી અંકુશ મૂકી શકાય.