ગુજરાતના નાના રાજકીય પક્ષોને અબજો રૂપિયાનું ફંડ!
- સાડા ચૌદ સો મત મેળવનારને મળ્યું કરોડોનું દાન!
- રાજકીય ફંડિંગ અને કરમુક્તિની આડમાં મની લોન્ડરિંગની આશંકા!
- એડીઆરના રિપોર્ટથી ભારતીય ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ભારતીય રાજકારણમાં પારદર્શકતા અને કાળા નાણાંના ઉપયોગને લઈને એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં ગુજરાતના છ રજિસ્ટર્ડ પરંતુ બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 2692 કરોડ રૂપિયાનું માતબર ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટ અનુસાર, ભારતીય રાષ્ટ્રીય જનતાદળ, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી અને સૌરાષ્ટ્ર જનતા પક્ષ જેવા નાના પક્ષો કે જેમને સામાન્ય જનતા ઓળખતી પણ નથી, તેમને કરોડો રૂપિયાનું ગુપ્ત દાન મળ્યું છે.
ખાસ કરીને, મામૂલી મત મેળવનારા અને ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતી શકનારા આ પક્ષોએ ચૂંટણી પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો અવાસ્તવિક ખર્ચ બતાવીને કાળા નાણાંને ધોળું કરવાનો ખેલ ખેલ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
દેશભરના નાના રાજકીય પક્ષોને મળેલા કુલ ફંડનો 70 ટકા હિસ્સો માત્ર ગુજરાતના આ છ પક્ષોના ખાતામાં જમા થયો છે, જેણે ચૂંટણી પ્રક્રિયા અને દાન આપવાની પારદર્શકતા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
ઇન્કમટેક્સ કાયદા હેઠળ રાજકીય પક્ષોને મળતી કરમુક્તિની છટકબારીનો ગેરલાભ લઈને મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીનું મોટું નેટવર્ક ચલાવાતું હોવાની શંકાના આધારે હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
રાજકીય ફંડિંગના નામે ચાલતા કૌભાંડો અને કાયદાકીય છટકબારીઓ
ભારતીય લોકશાહીમાં રાજકીય પક્ષોને મળતું ડોનેશન હંમેશાં ચર્ચાનો વિષય રહ્યું છે, પરંતુ ગુજરાતના આ છ અજાણ્યા પક્ષોના ખાતામાં અબજો રૂપિયા ઠલવાવાની ઘટનાએ સમગ્ર સિસ્ટમની પોલ ખોલી નાખી છે. જે પક્ષો માંડ સો-બસો મત મેળવી શકે છે અને જનતામાં કોઈ જ અસ્તિત્વ ધરાવતા નથી, તેમને અચાનક કરોડોનું દાન મળવું એ સ્પષ્ટ કરે છે કે અહીં કાનૂની છટકબારીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. આવકવેરા અધિનિયમ હેઠળ રાજકીય પક્ષોને મળતી ટેક્સ મુક્તિનો ફાયદો ઉઠાવીને કાળા નાણાંને સફેદ બનાવવાનું આ એક સુનિયોજિત સિન્ડિકેટ હોઈ શકે છે. સીઆઈડી ક્રાઈમની આ તપાસ માત્ર કેટલાક પક્ષો પૂરતી સીમિત ન રહેતા સમગ્ર ચૂંટણી ફંડિંગ વ્યવસ્થાને પારદર્શક બનાવવાની દિશામાં એક કડક પગલું સાબિત થવી જોઈએ.