મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે ચાર વર્ષ પૂરા!
135 નિર્દોષ લોકોના ભોગ લેનારી કરૂણિકાની વરસી!
ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત તમામ જામીનમુક્ત!
પીડિત પરિવારો ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા!
સિટી ન્યુઝ @ મોરબી : મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી મચ્છુ નદીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટનાને આજે ચાર વર્ષ પૂરા થયા છે અને આ ભયાનક હોનારતની ચોથી વરસી મનાવાઈ રહી છે.
ગત 30 ઓક્ટોબર 2022 ના રોજ દિવાળી વેકેશન અને રવિવારના દિવસે ઓરેવા ગ્રુપ દ્વારા સંચાલિત આ પુલ અચાનક તૂટી પડતા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.
આ ગંભીર કેસ હાલ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિતના તમામ 10 આરોપીઓ હાલ જામીન પર મુક્ત છે.
ઝડપી અને સાચો ન્યાય મેળવવા માટે મૃતકોના સ્વજનો અને વિક્ટિમ એસોસિએશન દ્વારા કાનૂની લડાઈ લંબાવીને હવે સુપ્રીમ કોર્ટ સુધી ગુહાર લગાવવામાં આવી છે.
ઘટના બાદ તત્કાલીન નગરપાલિકાના વહીવટી તંત્ર સામે પ્રશાસકીય પગલાં લેવાયા હતા, પરંતુ પીડિત પરિવારોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ સામે કોઈ નક્કર લીગલ કાર્યવાહી ન થવાથી ન્યાય અધૂરો લાગી રહ્યો છે.
મોરબી ઝૂલતા પુલ હોનારત અને ન્યાયની અપેક્ષા
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના ભારતના ઈતિહાસની સૌથી મોટી માનવસર્જિત કરૂણિકાઓમાં ગણાય છે, જેમાં 135 નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. ચાર વર્ષ વીતી જવા છતાં મુખ્ય આરોપીઓનું જામીન પર બહાર હોવું અને ન્યાય માટે પીડિતોએ દરવાજા ખખડાવવા પડવા એ આપણી ન્યાય પ્રણાલીની ધીમી ગતિ સામે મોટો સવાલ ઊભો કરે છે. માત્ર વહિવટી ખાપચાઓ કે સહાયની જાહેરાતોથી આઘાત ઓછો નથી થતો, પરંતુ જ્યારે અસલી દોષિતોને કાયદાકીય કઠોર સજા મળે ત્યારે જ આવા અકસ્માતો અટકી શકે છે. વિક્ટિમ એસોસિએશનની સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ એ વાતની સાક્ષી પૂરે છે કે પીડિતોનો કાયદા પરનો વિશ્વાસ અકબંધ છે, અને તંત્રએ પણ આ ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવીને દાખલો બેસાડવો જોઈએ.