સુરત મેડિકલ કોલેજમાં વર્ષ પહેલાં રેગિંગની તપાસ ઠપ્પ કરાઈ હતી
-
સિનિયરો પલંગ પર અને જુનિયરો નીચું મોઢું રાખીને ઊભા જોવા મળ્યા હતા
-
જવાબોમાં વિરોધાભાસ સામે આવ્યા છતાં વહીવટી તંત્રએ મામલો રફેદફે કર્યો
-
સ્ક્વોડે લેખિત ભલામણ કરી હોવા છતાં ઉચ્ચ સ્તરે તપાસ કમિટી ન બની
સિટી ન્યુઝ @ સુરત
સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં તાજેતરમાં બનેલી ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યા અને રેગિંગની ગંભીર ઘટના બાદ ભૂતકાળની ઘોર બેદરકારીઓ સપાટી પર આવી રહી છે. આજથી આશરે 1 વર્ષ પહેલાં પણ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રાત્રિના સમયે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે પણ જુનિયર વિદ્યાર્થીઓ સાથે સતામણી અને રેગિંગ થતું હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા હતા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં ભરવાના બદલે સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે 1 વર્ષ પહેલાં રાત્રિના 11 વાગ્યાના સુમારે મળેલી ગુપ્ત બાતમીના આધારે સ્ક્વોડે હોસ્ટેલના એક રૂમમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સિનિયર ડોક્ટરો પલંગ પર બેઠા હતા, જ્યારે તમામ જુનિયર વિદ્યાર્થીઓ નીચું મોઢું રાખીને હાથ જોડીને ઊભા હતા અને તેમના મોબાઈલ ફોન સાઇલન્ટ કરાવીને એક બાજુ મુકાવી દેવાયા હતા. પૂછપરછ દરમિયાન અભ્યાસના મુદ્દાઓ અંગે સિનિયર અને જુનિયરોના જવાબોમાં મોટો વિરોધાભાસ સામે આવતા સ્ક્વોડને ગંભીર રેગિંગ ચાલી રહ્યું હોવાની પાકી શંકા ગઈ હતી.
આ શંકાસ્પદ ઘટના બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે સમગ્ર પરિસ્થિતિની ગંભીર નોંધ લઈને કોલેજના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં વિગતવાર રિપોર્ટ સોંપ્યો હતો. સ્ક્વોડ દ્વારા સ્પેશિયલ કમિટી બનાવીને ઊંડાણપૂર્વક તપાસ કરવાની સ્પષ્ટ ભલામણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા મામલાને દબાવી દેવામાં આવ્યો હતો. જો તે સમયે જ દોષિત સિનિયરો સામે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોત, તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાયું હોત.
બીજી તરફ, રેગિંગ અને સતત સતામણીનો ભોગ બનતા વિદ્યાર્થીઓની સૌથી મોટી લાચારી સરકારી બોન્ડ હોવાનું બહાર આવ્યું છે. માઇક્રોબાયોલોજી સહિતના વિવિધ વિભાગોના રેસિડેન્ટ ડોક્ટરો માનસિક ત્રાસથી કંટાળીને અભ્યાસ છોડવા માંગતા હતા, પરંતુ બોન્ડની કડક નાણાકીય શરતો અને ભારે આર્થિક બોજના કારણે તેઓ અન્યાય સહન કરવા મજબૂર બન્યા હતા.
મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીમાં ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારૂલ વડગામા અને ઓપ્થોલોજી વિભાગના વડા ડોક્ટર પ્રતિ કાપડિયા સહિત કુલ 21 સભ્યો સામેલ છે. આ ઉપરાંત એન્ટી રેગિંગ સ્ક્વોડમાં પણ 26 જેટલા સભ્યો કાર્યરત છે. આટલી મોટી સંખ્યામાં કમિટીના સભ્યો હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ નક્કર કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે કમિટીની કામગીરી કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાનું સ્પષ્ટ થાય છે.
સુરત મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી નિષ્ક્રિય
સુરત નવી સિવિલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં 1 વર્ષ પહેલાં રાત્રે 11 વાગ્યે સ્ક્વોડે પાડેલા દરોડામાં જુનિયરોની સતામણીના પુરાવા મળ્યા હતા. સ્ક્વોડના લેખિત રિપોર્ટ છતાં તંત્રએ કોઈ તપાસ કમિટી બનાવી નહોતી. કોલેજની કમિટીમાં 21 સભ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સરકારી બોન્ડના આર્થિક બોજ હેઠળ દબાયેલા વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ સહન કરવા મજબૂર બન્યા છે.