"સુરત-મલેશિયા ડ્રગ્સ કનેક્શન? એલોવેરાના નામે મોકલાયો પ્રતિબંધિત કેમિકલ પાવડર, ATS દ્વારા મસમોટું કૌભાંડ પર્દાફાશ"
- USDT ક્રિપ્ટોકરન્સી અને મહિધરપુરાની આંગડિયા પેઢી વચ્ચે લાખોના ટ્રાન્ઝેક્શન - 3 મુખ્ય આરોપીઓના વધુ 2 દિવસના રિમાન્ડ
- મુંબઈ એરપોર્ટથી થતું હતું એક્સપોર્ટ - મહિધરપુરાની પી.એમ. આંગડિયા પેઢીના સંચાલક અને આરોપીઓ વચ્ચે વિરોધાભાસ.
- નિકુંજ ગઢીયા અને ચેતન વાવડિયાએ રચ્યું હતું ષડયંત્ર - 84 કિલો પ્રતિબંધિત પાવડરની હેરાફેરીનો ખુલાસો
સુરતના વેપારીઓ હવે એક્સપોર્ટના નામે પ્રતિબંધિત કેમિકલની હેરાફેરી અને ક્રિપ્ટોકરન્સી દ્વારા મની લોન્ડરિંગના રવાડે ચઢ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ATS અમદાવાદે સુરત અને મલેશિયા વચ્ચે ચાલતા એક મોટા 'મિસલેબલિંગ' કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં એલોવેરા પાવડરના બિલ બનાવી હકીકતમાં પ્રતિબંધિત 'એટોમિડેટ' કેમિકલ પાવડર વિદેશ મોકલવામાં આવતો હતો. આ કેસમાં પકડાયેલા ત્રણ મુખ્ય આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
ખતરનાક પાવડર અને ખોટા બિલોનો ખેલ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી નિકુંજ ગઢીયાએ પોતાની કંપની 'ન્યુટ્રલ ફાર્મા' ના નામે વડોદરાની સેન્ચુરી ફાર્મામાંથી 84.200 કિલોગ્રામ 'એટોમીડેટ પાવડર' ખરીદ્યો હતો. આ પાવડર અત્યંત કિંમતી અને અમુક દેશોમાં પ્રતિબંધિત છે. આરોપીઓએ આ પાવડરને કુદરતી એલોવેરા પાવડર તરીકે દર્શાવી ખોટા બિલો તૈયાર કર્યા હતા અને મુંબઈ એરપોર્ટથી મલેશિયા રવાના કરી દીધો હતો. અત્યાર સુધીમાં 58 કિલોથી વધુ જથ્થો વિદેશ પહોંચી પણ ગયો છે, જ્યારે 26 કિલો જથ્થો મુંબઈની એક કુરિયર સર્વિસમાંથી ATS એ જપ્ત કર્યો છે.
USDT થી આંગડિયા સુધીની સફર આ કૌભાંડમાં પેમેન્ટ મેળવવાની પદ્ધતિ (Modus Operandi) સૌથી વધુ ચોંકાવનારી છે. સરકારી વકીલ પવન શાહની દલીલો મુજબ, આરોપીઓ વિદેશી ગ્રાહકો પાસેથી પેમેન્ટ બેંકમાં લેવાને બદલે USDT (ક્રિપ્ટોકરન્સી) માં મેળવતા હતા. આ ડિજિટલ કરન્સીને ભારતમાં બેઠેલા એજન્ટો દ્વારા રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવતી અને બાદમાં સુરતના મહિધરપુરાની પી.એમ. આંગડિયા પેઢીમાં લાખો રૂપિયા ટ્રાન્સફર થતા હતા.
આંગડિયા સંચાલકનો ઈનકાર અને ATS નો એક્શન પ્લાન જ્યારે ATS એ મહિધરપુરાની આંગડિયા પેઢી પર તપાસ કરી, ત્યારે ત્યાંના સંચાલકે આવા કોઈપણ વ્યવહાર થયા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. જોકે, આરોપીઓ સતત દાવો કરી રહ્યા છે કે પૈસા આંગડિયા પેઢી મારફતે જ મેળવ્યા છે. આ વિરોધાભાસ ઉકેલવા માટે કોર્ટે ત્રણેય આરોપીઓને આંગડિયા પેઢીના સંચાલક સાથે સામસામે બેસાડી પૂછપરછ કરવાની પરવાનગી આપી છે.
આ કૌભાંડમાં અન્ય કેટલી કંપનીઓ સામેલ છે અને આ પ્રતિબંધિત પાવડરનો મલેશિયામાં શું ઉપયોગ થતો હતો તે દિશામાં ATS તપાસ કરી રહી છે. ચેતન વાવડિયાની 'રૂદ્ર એન્ટરપ્રાઇઝ' એ પણ મોટા જથ્થામાં ખરીદી કરી હોવાના પુરાવા મળ્યા છે, જે સૂચવે છે કે આ નેટવર્ક ઘણું મોટું હોઈ શકે છે.