Loading Please Wait !!!
સુરતની મદ્રેસામાં 'બુરખાધારી' ચોરની કરતૂત: સાફ-સફાઈ કરનારે જ ₹7.50 લાખ લૂંટી ઓફિસ ફૂંકી મારી!

પુરાવા નાશ કરવા દસ્તાવેજો સળગાવ્યા પણ ચાલવાની ઢબે અબ્દુલ સમદનો ભાંડો ફોડ્યો - ભેસ્તાન પોલીસની મોટી સફળતા

દાનના લાખો રૂપિયા જોઈ દાનત બગડી - ઓળખ છુપાવવા પહેર્યો બુરખો, પણ ખાખીની નજરથી ન બચી શક્યો

₹8.45 લાખની મત્તા પર હાથફેરો કરી પુરાવા બાળવાનો પ્રયાસ - દેવું વધી જતા અબ્દુલ સમદે ખેલ્યો ખતરનાક ખેલ

સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી એક મદ્રેસામાં થયેલી ભેદી ચોરી અને આગજનીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. જોકે, ભેસ્તાન પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, જે વ્યક્તિ મદ્રેસામાં સાફ-સફાઈની સેવા આપતો હતો, તેણે જ આ ચોરીને અંજામ આપ્યો હતો.

સેવા કરવાના બહાને કરી હતી ઓફિસની રેકી પકડાયેલ આરોપી અબ્દુલ સમદ અગાઉ ભંગારના ગોડાઉનમાં કામ કરતો હતો અને હાલમાં અત્તર તેમજ ટોપી વેચી ગુજરાન ચલાવતો હતો. તે મદ્રેસામાં વારંવાર સફાઈ માટે જતો હોવાથી તેને ખબર હતી કે ઓફિસના કબાટમાં દાનના લાખો રૂપિયા રાખવામાં આવે છે. વધતા જતા દેવાને કારણે અબ્દુલની દાનત બગડી હતી અને તેણે ચોરીનો પ્લાન ઘડ્યો હતો.

બુરખો પહેરી કરી ચોરી, પણ ચાલવાની ઢબે ભાંડો ફોડ્યો 24 માર્ચની વહેલી સવારે અબ્દુલ સમદ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને મદ્રેસામાં ઘૂસ્યો હતો. તેણે ઓફિસનું તાળું તોડી ₹7.50 લાખ રોકડા અને મોબાઈલ ફોન ચોરી લીધા હતા. ચોરી કર્યા બાદ તેને ડર લાગ્યો કે સીસીટીવીમાં તેની કરતૂત કેદ થઈ ગઈ હશે, તેથી તેણે ઓફિસમાં રાખેલા વર્ષો જૂના દસ્તાવેજો અને શૈક્ષણિક ફાઈલો ભેગી કરી આગ લગાવી દીધી હતી. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા બુરખો પહેરેલા શખ્સની ચાલવાની સ્ટાઈલ અબ્દુલ સમદ સાથે મેચ થતા તેના પર શંકા ગઈ હતી.

પોલીસ પૂછપરછમાં ભાંગી પડ્યો ભેસ્તાન પોલીસે અબ્દુલની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે કબૂલાત કરી હતી કે પકડાઈ જવાના ડરે જ તેણે ઓફિસમાં આગ લગાવી હતી જેથી કોઈ પુરાવા ન બચે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.