સુરતમાં કાળમુખી એવેન્જરનો આતંક: હિટ એન્ડ રનમાં મનપાના યુવાન કર્મચારીનું કરૂણ મોત, પરિવારનો આધાર છીનવાયો!
- ડીંડોલીમાં પૂરપાટ ઝડપે આવતા બાઈકચાલકે પટાવાળા શુભમને ઉલાળ્યો - ટક્કર એટલી ભયાનક હતી કે યુવાન હવામાં ફંગોળાયો
- મોડીરાત્રે ઘરે પરત ફરતા શુભમ બિહડેને કાળ આંબી ગયો - પુત્રના લોહીલુહાણ દેહને જોઈ માતાના હૈયાફાટ રુદનથી ગમગીની
- માનવતા નેવે મૂકીને એવેન્જર ચાલક ભાગી છૂટ્યો - 32 વર્ષીય આશાસ્પદ યુવાનના મોતથી સાથી કર્મચારીઓમાં શોક
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનાએ માર્ગોને રક્તરંજિત કર્યા છે. 29 માર્ચની મોડીરાત્રે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં સુરત મહાનગરપાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય શુભમ બિહડેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા એક એવેન્જર બાઈકચાલકે શુભમને એટલી જોરદાર ટક્કર મારી હતી કે તે હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.
કાળ બનીને આવી એવેન્જર શુભમ બિહડે રવિવારની મોડીરાત્રે કોઈ કામ પતાવીને પોતાના ઘરે ખરવાસા રોડ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક એવેન્જર બાઈકના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા શુભમના મોપેડને ટક્કર મારી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે લોહીલુહાણ હાલતમાં શુભમે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માત બાદ બાઈકચાલક માનવતા ભૂલીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
માતાનું હૈયાફાટ રુદન ઘટનાની જાણ થતા જ શુભમના પરિજનો દોડી આવ્યા હતા. પોતાના વહાલસોયા પુત્રને લોહીલુહાણ હાલતમાં જોઈને માતાનું હૈયાફાટ રુદન હૃદયદ્રાવક હતું. શુભમ આખા પરિવારનો આર્થિક આધાર હતો, અને તેના અચાનક ચાલ્યા જવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સીસીટીવીના આધારે શોધખોળ ડીંડોલી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે જેથી ફરાર એવેન્જર ચાલકને પકડી શકાય. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ શુભમનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી પ્રસરી છે.