સુરતમાં ચૂંટણી પૂર્વે ‘હવાલા કાંડ’નો પર્દાફાશ: દિલ્હીથી આંગડિયામાં આવેલા ₹1.25 કરોડમાં IT વિભાગની એન્ટ્રી
-
ગરીબ મતદારોને રોકડ વહેંચી હિંસા કરાવવાનો હતો માસ્ટર પ્લાન; દિલ્હીના હિમાંશુ પાહુજાની ધરપકડના સંકેત
-
આંગડિયા પેઢીના CCTV ફૂટેજે ખોલી પોલ; આકાશ મિશ્રા અને અજય તિવારીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
-
હિમાંશુ પાહુજાની સિન્ડિકેટ પોલીસના રડારમાં; દિલ્હીથી સુરત સુધીના હવાલા નેટવર્ક પર એજન્સીઓની લાલ આંખ
સુરત: સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે એક મોટા હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં હવે ઇન્કમટેક્સ (IT) વિભાગે પણ ઝંપલાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આમ આદમી પાર્ટીના ફંડિંગ માટે દિલ્હીથી આંગડિયા માર્ગે ₹૧.૨૫ કરોડ મોકલવામાં આવ્યા હતા. આ નાણાંનો ઉપયોગ ગરીબ મતદારોમાં વહેંચણી કરવા અને ચૂંટણી દરમિયાન અશાંતિ ઊભી કરવા માટે થવાનો હતો.
હિમાંશુ પાહુજા અને દિલ્હી કનેક્શન આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિલ્હીના જનકપુરીનો હિમાંશુ પાહુજા હોવાનું ખૂલ્યું છે, જે દિલ્હી સરકારના એક વગદાર મંત્રીનો અત્યંત નજીકનો હોવાનું મનાય છે. મહિધરપુરાની 'અરવિંદ હિરેન' આંગડિયા પેઢીમાં છેલ્લા ૫-૬ મહિનામાં ટુકડે-ટુકડે રકમ મોકલવામાં આવી હતી. આ રકમ લેવા આવતા આકાશ મિશ્રા અને અજય તિવારીના CCTV ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે.
હિંસા અને વોટ ખરીદવાનો માસ્ટર પ્લાન તપાસ એજન્સીઓના મતે, આ રકમનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોમાં રોકડ વહેંચીને મત મેળવવાનો હતો. એટલું જ નહીં, આ જ લોકો દ્વારા ચૂંટણી મથકો પર બબાલ કરાવીને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો બદઇરાદો હતો. આર્થિક ગુનાખોરીના આ નેટવર્કને તોડવા માટે સુરત પોલીસ કમિશનરે સઘન તપાસના આદેશ આપ્યા છે. હવે ઇન્કમટેક્સ વિભાગ આગામી દિવસોમાં ‘આપ’ ના ફંડિંગ મુદ્દે મોટા દરોડા પાડી શકે છે.