સુરતના કતારગામમાં ચૂંટણી પહેલા ભડકો: "ગંદકી અને ગુંડાગીરીનું સામ્રાજ્ય", કોર્પોરેટરો સામે જનતામાં ભારે રોષ!
- તૂટેલી ગટર અને ખુલ્લા વીજળીના બોર્ડ મોતને આપી રહ્યા છે આમંત્રણ - ગાર્ડનમાં દારૂની મહેફિલોથી રહીશો પરેશાન
- "મોટર વગર એક ગ્લાસ પાણી પણ નથી આવતું" - સ્પીડ બ્રેકર અને દબાણો મુદ્દે તંત્રની ઉદાસીનતા સામે ઉઠ્યા સવાલો.
- ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ, પણ જનતા કહે છે - "અમારી ફરિયાદોનો કોઈ નિકાલ જ નથી"
સુરત મહાનગરપાલિકાની આગામી 26 Aprilના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને સુરતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા કતારગામ-વેડ વોર્ડ નંબર 7 માં સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી રહી છે. 'દિવ્ય ભાસ્કર' ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અહીંની જનતા ગટરના તૂટેલા ઢાંકણા, ખુલ્લા વીજળીના બોર્ડ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર બની છે.
વોર્ડ નંબર 7 હેઠળ આવતા કતારગામ ગામ અને વેડ રોડ જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો ધરખમ અભાવ જોવા મળ્યો છે. સ્થાનિક રહીશ ગીતાબેને આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં પાણીનું પ્રેશર એટલું ઓછું છે કે મોટર ચાલુ કર્યા વગર એક ગ્લાસ પાણી પણ મળતું નથી. આ ઉપરાંત, ગટરના ઢાંકણા ઠેર-ઠેર તૂટેલી હાલતમાં હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
માત્ર ગંદકી જ નહીં, પણ અસામાજિક તત્વોનો ત્રાસ પણ અહીં માથાનો દુખાવો બન્યો છે. સ્થાનિક હિરેન વાઘાણીના જણાવ્યા મુજબ, વિસ્તારના ગાર્ડનમાં રાત્રિના સમયે પૂરતી લાઈટો ન હોવાથી ત્યાં દારૂની મહેફિલો જામે છે. ગાર્ડનમાંથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસો મળી આવતા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાત્રે સૂવા આવતા મજૂરો દ્વારા જાહેરમાં કરવામાં આવતી ગંદકીને કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે.
ટ્રાફિક અને દબાણની સમસ્યા પણ આ વોર્ડમાં વિકરાળ છે. સ્થાનિકોએ અનેકવાર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. સવારના સમયે શાકભાજીવાળાઓ દ્વારા રસ્તાઓ પર કરવામાં આવતા દબાણને કારણે ન્યુસન્સ ફેલાય છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા કોર્પોરેટરો જીત્યા પછી ક્યારેય વિસ્તારની મુલાકાતે આવતા નથી અને ફરિયાદો કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે.
આગામી ચૂંટણીમાં સુરત મનપાની 120 બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. કતારગામ જેવો પ્રતિષ્ઠિત વિસ્તાર જો પાયાની સમસ્યાઓથી ઝઝૂમતો હોય, તો તે સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે 26 Aprilના રોજ જનતા આ સમસ્યાઓનો જવાબ ઈવીએમ (EVM) મશીન દ્વારા કઈ રીતે આપે છે.