Loading Please Wait !!!
સુરતમાં 'હવા' કાઢવા હવામાં ફાયરિંગ: સૂર્યા મરાઠી ગેંગનો રીઢો ગુનેગાર દબોચાયો, 21 ગુનાનો ઈતિહાસ!

  • સિગારેટના ધુમાડા સાથે પિસ્તોલના ભડાકા કરતો વીડિયો વાયરલ – પોલીસે ધરપકડ કરતા કહ્યું 'ભૂલ થઈ ગઈ'
  • હિતેશ સોલંકીને પાઠ ભણાવવા UP થી મંગાવ્યું હતું હથિયાર – આજીવન કેદની સજા થઈ શકે તેવી કલમો લાગી
  • 35 હજારની પિસ્તોલ અને હજારોના દમ – 4 વાર પાસા અને તડીપાર થયા છતાં ગુનાખોરી ન છોડી

સુરતના વેડ રોડ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર અને ગુંડાગીરીનો ભયાવહ નમૂનો જોવા મળ્યો છે. કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સક્રિય સભ્ય દીપક ઉર્ફે દીપક કુટેકરે પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં સિગારેટનો દમ મારતા મારતા પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી હતી. પોતાની 'હવા' બનાવવા જતાં આ વીડિયો જ દીપક માટે જેલના દરવાજા ખોલનારો સાબિત થયો છે. શહેર SOG ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે દબોચી લીધો હતો.

DCP રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર, SOG ની ટીમે ચોક બજાર વિસ્તારમાં વિરામનગર સોસાયટીના ગેટ પાસેથી દીપક કુટેકરની ધરપકડ કરી છે. તેની અંગઝડતી લેતા કમરના ભાગે છુપાવેલી ₹35,000 ની કિંમતની ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. ધરપકડ બાદ રીઢા ગુનેગાર દીપકની જ્યારે આકરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની તમામ શાન ઠેકાણે આવી ગઈ હતી અને તેણે 'ભૂલ થઈ ગઈ મારી' કહીને માફી માંગવી પડી હતી.

પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વર્ષ 2024 માં હિતેશ સોલંકી નામના શખ્સ સાથે થયેલા ઝઘડામાં દીપક પર ફાયરિંગ થયું હતું. તે સમયે બચી ગયેલા દીપકના મનમાં બદલાની આગ સળગી રહી હતી. હિતેશ સોલંકીને વળતો જવાબ આપવા અને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે તેણે અંદાજે એકાદ વર્ષ પહેલા જેલમાં બંધ મુન્ના દૂધેની મદદથી ઉત્તરપ્રદેશથી આ પિસ્તોલ મંગાવી હતી. પોલીસ હવે આ હથિયારના યુપી સપ્લાયર અને સમગ્ર નેટવર્કને શોધવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આરોપી દીપક કુટેકર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, એટ્રોસિટી અને નશાકારક પદાર્થોની હેરાફેરી (NDPS) જેવા કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે ચાર વખત પાસા હેઠળ જેલ જઈ આવ્યો છે અને એક વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે આર્મ્સ એક્ટની કલમ 25(1)(A) મુજબ ગુનો દાખલ કર્યો છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

રાજકોટ સહિત રાજ્યભરમાં સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતની આ ઘટનાએ સાબિત કર્યું છે કે કાયદો હાથમાં લેનાર ગમે તેટલો મોટો ગેંગસ્ટર કેમ ન હોય, પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી કાઢશે. અત્યારે તો દીપક કુટેકર જેલના સળિયા પાછળ પહોંચ્યો છે અને પોલીસે હિતેશ સોલંકીની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે.