Loading Please Wait !!!
સુરત કલેક્ટર કચેરીમાં 'આપ'ના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ: ફોર્મ ન ભરાતા ફિનાઈલ ગટગટાવ્યું, કચેરી રણમેદાન બની!

  • વોર્ડ-14 ના ગૌશાલીબેન ગાંગડેની હોસ્પિટલમાં સારવાર – ટેકનિકલ ખામી અને ચૂંટણી પંચના નિયમો નડ્યા
  • ગોપાલ ઈટાલિયા સામે 'મોદી-મોદી' ના નારા લાગ્યા – 'આપ'ના કાર્યકરોએ 'ઝાડુ' સાથે આપ્યો વળતો જવાબ
  • મતદાર યાદીની ભૂલે બગાડી બાજી – પોલીસની માનવ સાંકળ વચ્ચે બંને પક્ષના કાર્યકરો આમને-સામને

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી લોહીયાળ જંગનું મેદાન બનતા રહી ગઈ. વોર્ડ નંબર 14 ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડેએ પોતાનું ફોર્મ ન ભરાતા હતાશામાં આવી કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસે તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડ્યા હતા.

ગૌશાલીબેનનો આક્ષેપ છે કે પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ મતદાર યાદીની ટેકનિકલ ખામી અને ચૂંટણી પંચના જટિલ નિયમોને કારણે તેમની ઉમેદવારી રદ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આ આઘાત સહન ન થતા તેમણે આ અંતિમ ડગલું ભર્યું હતું. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકીય ગરમાવો અને નારેબાજી: ઘટના સમયે જ્યારે 'આપ'ના દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા ત્યાં હાજર હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. કલેક્ટર કચેરીમાં જ "મોદી-મોદી" અને "કેજરીવાલ ચોર છે" ના નારા ગુંજી ઉઠ્યા હતા. મામલો ત્યારે વધુ બિચકાયો જ્યારે ભાજપના કેટલાક કાર્યકરોએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા, જેના જવાબમાં 'આપ'ના કાર્યકરોએ પણ ઝાડુ ઉગામીને સામનો કર્યો હતો.

પોલીસ કાફલાએ સમયસૂચકતા વાપરી બંને પક્ષો વચ્ચે માનવ સાંકળ બનાવી હતી, જેથી કોઈ મોટો શારીરિક સંઘર્ષ થયો ન હતો. જોકે, શાબ્દિક પ્રહારો અને સૂત્રોચ્ચારને કારણે કલેક્ટર કચેરીમાં લાંબો સમય સુધી તણાવપૂર્ણ સ્થિતિ જળવાઈ રહી હતી. આ ઘટનાએ સુરતમાં ભાજપ અને 'આપ' વચ્ચેના સીધા જંગની તીવ્રતાને ફરી એકવાર સાબિત કરી દીધી છે.