Loading Please Wait !!!
સુરતમાં નશાના કારોબાર પર પોલીસના પ્રચંડ પ્રહારો: બે પેડલર ઝડપાયા

  • સ્પોર્ટ્સ બાઇકમાં ગાંજો છુપાવતો બિહારી યુવક અને ચાની લારી ચલાવતી વૃદ્ધા પકડાઈ
  • સારોલી અને જહાંગીરપુરા પોલીસે પાડેલા દરોડામાં 944 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો
  • ટેક્ષટાઇલ માર્કેટ નજીકથી સુમીત તીવારીની ધરપકડ, 1.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
સિટી ન્યુઝ @ સુરત

સુરત શહેરમાંથી ડ્રગ્સ અને નશાની આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શરૂ કરાયેલા ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત સ્થાનિક પોલીસને બહુ મોટી સફળતા સાંપડી છે. સારોલી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની ટીમોએ ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ વિસ્તારોમાં ઓચિંતા દરોડા પાડીને કુલ 944 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક બિહારી યુવક અને એક 70 વર્ષની વિધવા વૃદ્ધાને ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ સપાટો બોલાવતા સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર. વેકરીયા અને પીએસઆઈ યુ.બી. મેંદપરાની ટીમે ડી.એમ.ડી. ટેક્ષટાઇલ માર્કેટ નજીક વોચ ગોઠવીને સુમીત અરૂણકુમાર તીવારી (ઉ.વ. 25, રહે. કુંભારીયા ગામ, મૂળ બિહાર) નામના યુવકને દબોચી લીધો હતો. પોલીસે આરોપી સુમીતની કાળા કલરની બજાજ પલ્સર બાઈક (નંબર GJ-05-TH-6940) ની સીટ નીચે તપાસ કરતા ત્યાંથી 206 ગ્રામ ચોખ્ખો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 10,300 રૂપિયાની કિંમતનો ગાંજો, 10,000 રૂપિયાનો મોબાઇલ અને 90,000 રૂપિયાની બાઇક મળી કુલ 1,10,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બીજા દરોડામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.પી. ઘરીયાની ટીમે સાયણ-હજીરા હાઈવે પર ચામુંડાનગર કેનાલ પાસે આવેલી 'જય મહાકાળી ટી એન્ડ નાસ્તા સેન્ટર' નામની લારી પર રેડ પાડી હતી. પોલીસે ત્યાંથી લારી ચલાવતી નંદાબેન ચંદ્રકુમાર ચૌહાણ (ઉ.વ. 70) ને રંગેહાથ ઝડપી લીધી હતી. લારીની આસપાસથી પોલીસને 738 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો, જેની બજાર કિંમત 36,900 રૂપિયા થાય છે. પોલીસે બંને કેસમાં મુખ્ય સપ્લાયરોને વોન્ટેડ જાહેર કર્યા છે.

નશાના સપ્લાયરોને પકડવા પોલીસના ચક્રો ગતિમાન

સુરત પોલીસે પકડાયેલા બંને પેડલર્સ વિરૂદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બાઇકમાં ગાંજો આપનાર 'રાજુ' નામના અજાણ્યા સપ્લાયર અને વૃદ્ધાને માદક પદાર્થ સપ્લાય કરી જનાર ટુ-વ્હીલર ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ કમિશનરના આદેશથી શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ અને શંકાસ્પદ લારી-ગલ્લાઓ પર વોચ વધારી દેવામાં આવી છે.