Loading Please Wait !!!
સુરતના રત્નો ઝળક્યા: આર્થિક સંકડામણને મ્હાત આપી દીકરીઓ બની સાયન્સ-કોમર્સની ટોપર

  • ભાડાના મકાનમાં રહેતી નંદિનીએ મેળવ્યા 95.80%, અક્ષરાએ કોમર્સમાં તોડ્યો ઐતિહાસિક રેકોર્ડ
  • આશાદીપ સ્કૂલના 159 વિદ્યાર્થીઓને સાયન્સમાં A1 ગ્રેડ, પિતાની આંખમાંથી વહી હર્ષની અશ્રુધારા
  • એમ્બ્રોઈડરી અને બેંકના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના સંતાનોએ બોર્ડની પરીક્ષામાં રચ્યો નવો ઈતિહાસ

સુરત | સિટી ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ સુરત જિલ્લાએ પોતાની શૈક્ષણિક સર્વોપરિતા સાબિત કરતા સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 'A1' ગ્રેડ મેળવીને દબદબો જાળવી રાખ્યો છે. ખાસ કરીને સુરતમાં મહેનતકશ પિતાના સંતાનોએ આર્થિક સંકડામણ વચ્ચે જે સિદ્ધિ મેળવી છે, તેણે એક નવો ઈતિહાસ રચ્યો છે.

ભાડાના મકાનમાંથી બોર્ડ ટોપર સુધીની સફર સાયન્સ પ્રવાહમાં સુરતની નંદિની કિશોરભાઈ છોટાળાએ 95.80% મેળવીને ગુજરાતમાં ટોપ કર્યું છે. નંદિનીના પિતા બેંકમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને પરિવાર હજુ પણ ભાડાના મકાનમાં રહે છે. આર્થિક મુશ્કેલીઓ છતાં નંદિનીએ ગણિતમાં 100 માંથી 100 અને ગુજકેટમાં 120 માંથી 118.75 માર્કસ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. તેણી હવે એન્જિનિયર બની દેશની સેવા કરવા માંગે છે. આવી જ રીતે, એમ્બ્રોઈડરી કામ કરતા પિતાની દીકરી અક્ષરા સુતરીયાએ કોમર્સમાં 700 માંથી 687 માર્કસ મેળવીને બોર્ડનો અગાઉનો 686 માર્કસનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે. અક્ષરા હવે કલેક્ટર બનવાનું લક્ષ્ય ધરાવે છે.

આશાદીપ સ્કૂલ અને સુમન હાઈસ્કૂલનો ડંકો સુરતની શાળાઓમાં આશાદીપ સ્કૂલે ફરી એકવાર શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. સુરત શહેરના કુલ 459 સાયન્સ A1 ગ્રેડમાંથી 159 વિદ્યાર્થીઓ માત્ર આશાદીપ સ્કૂલના છે. બીજી તરફ, સુરત મહાનગરપાલિકા સંચાલિત 'સુમન હાઈસ્કૂલો' એ પણ ખાનગી શાળાઓને ટક્કર આપતા વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ મેળવ્યું છે. પાલિકાની 29 શાળાઓમાંથી 8 શાળાઓએ 100% પરિણામ લાવીને શિક્ષણ જગતનું ધ્યાન ખેંચ્યું છે. મરાઠી માધ્યમનું પરિણામ સૌથી વધુ 99.52% રહ્યું છે, જે પાલિકાની શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે.

ભાવુક દ્રશ્યો અને વિજયોત્સવ પરિણામ જાહેર થતા જ સુરતની શાળાઓમાં ફટાકડાની આતશબાજી અને ડીજેના તાલે ગરબાની રમઝટ જોવા મળી હતી. પોતાની દીકરીને ટોપર બનેલી જોઈને પિતાની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. કિરાણાની નાનકડી દુકાન ચલાવતા પિતાની દીકરી ક્રિષ્ના રાઠોડે 479 માર્કસ મેળવતા જણાવ્યું હતું કે, "શિક્ષકોના માર્ગદર્શનથી આ શક્ય બન્યું છે, હવે મારે ડોક્ટર બની ગરીબોની સેવા કરવી છે."

સુરત જિલ્લાના કુલ પરિણામ પર નજર કરીએ તો સાયન્સમાં 459 અને સામાન્ય પ્રવાહમાં 2083 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સફળતા માત્ર વિદ્યાર્થીઓની નથી, પરંતુ સુરતના એ વાલીઓ અને શિક્ષકોની પણ છે જેમણે દિવસ-રાત જોયા વગર આ તેજસ્વી તારલાઓને યોગ્ય દિશા બતાવી છે. સુરતનું આ પરિણામ સાબિત કરે છે કે જો દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ આર્થિક સ્થિતિ સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.