Loading Please Wait !!!
સુરત AAP પ્રવક્તા કાળુ વઘાસિયા સામે રેપની FIR: 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી આપી પરિણીતાનું શોષણ કર્યું!

"પત્નીને તલાક આપી તારી સાથે લગ્ન કરીશ" કહી હોટેલોમાં શરીર સંબંધ બાંધ્યા – લગ્નનું દબાણ કરતા અસલી તેવર બતાવ્યા

"તને અને તારા દીકરાને જીવવા નહીં દઉં" – લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ડિસેમ્બર 2024 થી ચાલતું હતું શારીરિક શોષણ – પત્ની સાથે અણબનાવનું જુઠ્ઠું નાટક રચી મહિલાને ફસાવી

સુરતના લસકાણા વિસ્તારમાં રાજકીય વગ ધરાવતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે ગંભીર પ્રકારના ગુનાની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી શારીરિક શોષણ કરવાના આક્ષેપ સાથે પીડિતાએ લસકાણા પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે.

પીડિતાના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2024 માં સોશિયલ મીડિયા પરથી કાળુ વઘાસિયા સાથે તેની મિત્રતા થઈ હતી. કાળુએ પોતાની પત્ની સાથે અણબનાવ હોવાનું અને પત્ની પિયરમાં રહેતી હોવાનું જુઠ્ઠું કહી પરિણીતાને વિશ્વાસમાં લીધી હતી. "હું ટૂંક સમયમાં છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ" તેવી માયાજાળ રચીને આરોપીએ તેને શહેરની અલગ-અલગ હોટેલો અને ઘરે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

તુષાર ઘેલાણી કેસનો ડર બતાવી બ્લેકમેઈલિંગ: જ્યારે મહિલાએ સંબંધો આગળ વધારવા અને લગ્ન કરવા દબાણ કર્યું, ત્યારે કાળુએ પલટી મારી હતી. તેણે મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે, જો તે પોલીસમાં જશે તો તે સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીની જેમ આપઘાત કરી લેશે અને મરતા પહેલા એવી વ્યવસ્થા કરશે કે મહિલા અને તેના દીકરાનું જીવવું મુશ્કેલ થઈ જાય. ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણીએ પણ મહિલા મિત્રના બ્લેકમેઈલિંગથી કંટાળી ફેબ્રુઆરી 2026 માં આત્મહત્યા કરી હતી.

ચૂંટણીના માહોલ વચ્ચે જ પક્ષના મુખ્ય ચહેરા સામે આવા ગંભીર આક્ષેપો થતા વિરોધ પક્ષો પણ સક્રિય થયા છે. હાલમાં લસકાણા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ અને ટેકનિકલ પૂરાવાઓ એકત્રિત કરવાની તજવીજ તેજ કરી છે. રાજકીય હોદ્દાનો દુરુપયોગ કરી મહિલાનું શોષણ કરવાની આ ઘટનાએ સુરતમાં ભારે ચર્ચા જગાવી છે.