Loading Please Wait !!!
ડુમસ સી ફેસમાં મફત પ્રવેશ બંધ કરવાની તૈયારી!

  • 12 વર્ષથી વધુ ઉંમર માટે 20 રૂપિયા ફી!
  • બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે 10 રૂપિયા ફી!
  • ફોર વ્હીલર 30, ટુ વ્હીલર 10 રૂપિયા પાર્કિંગ!

    સિટી ન્યુઝ @ સુરત 

    સુરતના ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઝોન-1 ના પેકેજ-1 ના લોકાર્પણ બાદ ઉમટી રહેલી ભીડ નિયંત્રિત કરવા અને સંચાલન ખર્ચ પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાએ પ્રવેશ ફી તથા પાર્કિંગ ફી વસૂલવાની દરખાસ્ત તૈયાર કરી છે, જેને મંજૂરી મળ્યા બાદ અમલ થઈ શકે છે.

    દરખાસ્ત મુજબ 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ દીઠ પ્રતિ દિવસ 20 રૂપિયા અને 3 થી 12 વર્ષના બાળકો તથા 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 10 રૂપિયા પ્રવેશ ફી સૂચવાઈ છે, જ્યારે 3 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવાની જોગવાઈ છે.

    વાહન પાર્કિંગ માટે ફોર વ્હીલર દીઠ 30 રૂપિયા, થ્રી વ્હીલર માટે 25 રૂપિયા, ટુ વ્હીલર માટે 10 રૂપિયા અને હેવી કોમર્શિયલ વાહનો માટે 80 રૂપિયા પ્રતિ દિવસ ફી રાખવાનું સૂચન છે, જ્યારે સૂચિત ધોરણ મુજબ ઇલેક્ટ્રિક વાહનો માટે વિના મૂલ્યે જોગવાઈ દર્શાવાઈ છે.

    8 માર્ચ, 2026 ના રોજ લોકાર્પણ બાદ ઇજારદારને વર્કઓર્ડર અપાયા છતાં વીજળી બિલ, પાણી, લેન્ડસ્કેપિંગ જાળવણી અને સુરક્ષા-પાર્કિંગ વ્યવસ્થાના ખર્ચને પહોંચી વળવા પ્રોજેક્ટને સ્વનિર્ભર બનાવવાની જરૂરિયાત પાલિકાએ દર્શાવી છે.

    સુરત કિલ્લો, સરથાણા નેચર પાર્ક અને ગોપી તળાવની જેમ RFP મારફતે એજન્સીની નિમણૂક ન થાય ત્યાં સુધી આ ફી ધોરણ અમલમાં રાખવાની દરખાસ્ત સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

    જાહેર સ્થળોની જાળવણી, ભીડ વ્યવસ્થાપન અને સ્વનિર્ભરતા

    નવા વિકસિત પ્રવાસન સ્થળો પર ક્ષમતા કરતાં વધુ ભીડ અને જાળવણી ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ બને છે. નિયમિત ફી વ્યવસ્થા અને સુવ્યવસ્થિત સંચાલન સુવિધાઓની જાળવણી તથા સલામતી માટે મદદરૂપ થઈ શકે છે.