ભારતમાલા પ્રોજેક્ટ માટે માપણી કરવા ગયેલી ટીમ પરત!
- અગાઉ પરબતપુરામાં ખૂંટ ઉખાડી ટીમને ભગાડી મૂકાઈ હતી!
- વાંધા અરજીઓની સુનાવણી બાકી છતાં માપણીની હિલચાલ!
- ખાટાઆંબા ગ્રામ પંચાયતે લેખિત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો!
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિવાદ વકર્યો છે અને માણસા તાલુકાના ખાટાઆંબા ગામે માપણી માટે આવેલી નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમને લેખિત મંજૂરીના અભાવે ખેડૂતોએ કામગીરી કર્યા વગર પરત મોકલી દીધી છે.
સ્થળ પર હાજર ખેડૂતે કલોલ પ્રાંત અધિકારીને ફોન કરતા તેમણે પણ માપણી માટે પરમિશન આપી ન હોવાનું સ્પષ્ટ થતા ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ટીમને તાત્કાલિક સ્થળ છોડવા ફરજ પડી હતી.
ખાટાઆંબા ગ્રામ પંચાયતે પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને કલોલ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી વળતરના પ્રશ્નોનું નિરાકરણ તથા પૂર્વમંજૂરી વગર સીમમાં માપણી કે સંપાદન નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે.
છેલ્લા 1 વર્ષથી પ્રક્રિયા અને 2 વખત જાહેરનામા છતાં બજાર ભાવ મુજબ પૂરતા વળતરના અભાવે જિલ્લામાં હજુ સુધી એક ઇંચ પણ જમીન સંપાદન થઈ શકી નથી, જ્યારે અગાઉ પરબતપુરામાં પણ ખેડૂતોએ ખૂંટ ઉખાડી ટીમને ભગાડી મૂકી હતી.
ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના વેડા, હિંમતપુરા, જામળા, પરબતપુરા, પેપુ, સોજા, ઈટલા અને બાલવા સહિતના ગામોની વાંધા અરજીઓની સુનાવણી બાકી હોવા છતાં માપણી શરૂ કરાતા ખેડૂતોએ વળતરની સ્પષ્ટતા અને લેખિત નિરાકરણ વિના સંપાદન નહીં થવા દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
જમીન સંપાદન, યોગ્ય વળતર અને સંવાદની જરૂરિયાત
મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં બજાર ભાવ મુજબ પારદર્શક વળતર અને વાંધા અરજીઓના સમયસર નિકાલ વિના જમીન સંપાદન પ્રક્રિયામાં અવરોધો ઊભા થાય છે. વહીવટી સંકલન, સ્પષ્ટ પરવાનગી અને ખેડૂતો સાથે સંવાદ દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવું જરૂરી બને છે.