Loading Please Wait !!!
સુરતમાં ફૂટપાથ પરથી માસૂમનું અપહરણ: માતાના પડખામાંથી 3 વર્ષની બાળકીને ઉપાડી શખ્સ ટ્રેન મારફતે MP ભાગ્યો

 

  • CCTVમાં કેદ થયો અપહરણકાર; સુરત પોલીસના 20 જવાનોની ટીમ ઈન્દોર રૂટ પર રવાના

  • રિક્ષા કરી સીધો સ્ટેશન પહોંચ્યો અને 40 મિનિટમાં ટ્રેન પકડી લીધી; પૂર્વનિયોજિત કાવતરાની શંકા

  •  વડોદરા, દાહોદ અને MP બોર્ડર પર રેલવે પોલીસ એલર્ટ; અપહરણકારની શોધખોળ તેજ

    સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પરથી એક ૩ વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સુરત પોલીસને દોડતી કરી દીધી છે. રવિવારે રાત્રે જ્યારે માતા મજૂરીકામ કરીને થાકીને સૂતી હતી, ત્યારે એક અજાણ્યો શખ્સ તેની પડખામાંથી બાળકીને ઉપાડીને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં આ શખ્સ સુરત રેલવે સ્ટેશનેથી ઈન્દોર તરફ જતી ટ્રેનમાં બેસતો દેખાયો છે.

    પૂર્વનિયોજિત કાવતરું અને સચોટ ટાઈમિંગ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અપહરણકાર રાત્રે ૯:૩૦ વાગ્યે બાળકીને ઉઠાવીને રિક્ષામાં બેસી સીધો સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી તે ૧૦:૧૦ વાગ્યે ઉપડતી દૌન્ડ-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગયો હતો. જે રીતે તેણે ગણતરીની મિનિટોમાં ટ્રેન પકડી, તે જોતા પોલીસને શંકા છે કે તે બાળકી પર અગાઉથી નજર રાખી રહ્યો હતો અને આ એક પૂર્વનિયોજિત કાવતરું હતું.

    પોલીસનો સપાટો અને MP બોર્ડર પર એલર્ટ ઘટનાની ગંભીરતાને જોઈને કાપોદ્રા પીઆઈ એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ ૨૦ થી વધુ જવાનોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશના ઈન્દોર તરફ રવાના થઈ છે. રેલવે પોલીસ (RPF) ને પણ બાળકી અને અપહરણકારના ફોટા મોકલીને એલર્ટ કરી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાથી પારિવારિક વિખવાદના કારણે સુરત કમાવા આવેલી માતા અત્યારે પોતાની દીકરી માટે આક્રંદ કરી રહી છે.