સુરતથી ચેન્નઈ હવે માત્ર 16 કલાકમાં પહોંચાશે
-
NHAI દ્વારા વર્ષ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનુ લક્ષ્ય
-
36 કલાકનો લાંબો પ્રવાસ ઘટીને માત્ર 16 કલાક થશે
-
મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે જોડાણ
સિટી ન્યુઝ @ સુરત
સુરતથી ચેન્નઈ વચ્ચેનો પ્રવાસ હવે ૩૬ કલાકને બદલે માત્ર 16 કલાકમાં પૂરો થશે. ભારતમાલા પરિયોજના હેઠળ બની રહેલો આ 6-લેન હાઈ-સ્પીડ એક્સપ્રેસવે ગુજરાતને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સાથે જોડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા વર્ષ 2027 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે આર્થિક લાઈફલાઈન સાબિત થશે.
અગાઉ આ એક્સપ્રેસવે 1271 કિલોમીટર લંબાઈનો પ્રસ્તાવિત હતો, પરંતુ તાજેતરમાં વહીવટી અને રૂટ સ્તરે મોટો ફેરફાર કરીને તેના સુરત-નાસિક ખંડને અલગ કરવામાં આવ્યો છે, જેથી હવે આ પ્રોજેક્ટ મુખ્યત્વે નાસિક-ચેન્નઈ એક્સપ્રેસવે તરીકે ઓળખાશે અને તેની સીધી લંબાઈ આશરે 900 કિલોમીટર રહેશે. હાલના પરંપરાગત ધોરીમાર્ગો પર ભારે ટ્રાફિકને કારણે મુસાફરોને 35 થી 36 કલાકનો થકવી દેતો પ્રવાસ કરવો પડે છે, જે આ નવા હાઈવેથી ઘટીને સીધો 16 કલાક થઈ જશે.
આ 6-લેન ગ્રીનફિલ્ડ કોરિડોર દેશના અનેક ઔદ્યોગિક અને ધાર્મિક કેન્દ્રોને સીધા જોડશે, જેમાં ગુજરાતનું સુરત, મહારાષ્ટ્રના નાસિક, અહમદનગર, સોલાપુર, અક્કલકોટ, કર્ણાટકના કલબુર્ગી, રાયચૂર, તેલંગાણાના ગઢવાલ, આંધ્રપ્રદેશના કુર્નૂલ, કડપ્પા, તિરુપતિ અને તમિલનાડુનું ચેન્નઈ સામેલ છે. આ માર્ગ દ્વારા આંતરરાજ્ય પરિવહન અત્યંત ઝડપી અને સરળ બનશે.
આ હાઈવે પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે વેપારને વેગ આપશે અને તિરુપતિ જેવા મુખ્ય ધાર્મિક સ્થળો સાથે સીધું જોડાણ મળવાથી પ્રવાસનને પણ મોટો ફાયદો થશે. મહારાષ્ટ્ર સરકારે તેના 19142 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા 374 કિલોમીટર લાંબા નાસિક-સોલાપુર-અક્કલકોટ ગ્રીનફિલ્ડ સેક્શનને મંજૂરી આપી દીધી છે, જ્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચેના રૂટ પર પણ જમીન સંપાદનની કામગીરી તેજ બની છે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણ તબક્કાવાર રીતે ચાલી રહ્યો છે અને તમામ સંબંધિત રાજ્યોમાં કામગીરી વેગવંતી બની છે. આધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવાથી મુસાફરોના સમય અને ઈંધણની બચત થશે તેમજ દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્રને એક નવી ઊંચાઈ મળશે.
સુરત-ચેન્નઈ એક્સપ્રેસવેથી ક્રાંતિકારી બદલાવ
સુરતથી ચેન્નઈને જોડતો આ 900 કિલોમીટરનો હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પ્રવાસના સમયને અડધો કરી દેશે, જેનાથી માત્ર મુસાફરી જ નહીં પરંતુ વ્યાપારી ગતિવિધિઓ પણ વધુ ઝડપી અને સુવિધાજનક બનશે.