Loading Please Wait !!!
સુરત ભાજપમાં 'એક વ્યક્તિ, એક હોદ્દો' ના નિયમના ધજાગરા? સંગઠનના હોદ્દેદારોએ જ ટિકિટ માંગતા ભડકો!

  • શિસ્તબદ્ધ પક્ષની શિસ્ત સામે સવાલો – 120 બેઠકો માટે 2000 થી વધુ દાવેદારોમાં હોદ્દેદારોનો જમાવડો
  • વિવાદિત ચહેરાઓને સંગઠનમાં સ્થાન આપ્યા બાદ હવે ચૂંટણી લડવાની જીદ – કાર્યકરોમાં 'બાવાના બેઉ બગડશે' નો ફફડાટ
  • યુવા ભાજપ પ્રમુખથી લઈને લઘુમતી મોરચા સુધીના તમામ નેતાઓએ દાવેદારી નોંધાવી – શું સામાન્ય કાર્યકરને ન્યાય મળશે?

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ આ પ્રક્રિયાની સાથે જ ભાજપમાં મોટો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપમાં હંમેશા 'એક વ્યક્તિ, એક હોદ્દો' ના નિયમની દુહાઈ આપવામાં આવે છે, પરંતુ સુરત ભાજપમાં આ નિયમ માત્ર સામાન્ય કાર્યકરો માટે જ હોય તેવો ઘાટ સર્જાયો છે. હાલમાં જ જાહેર થયેલા શહેર સંગઠનના હોદ્દેદારોએ જ પાલિકાની ટિકિટ માટે દાવેદારી નોંધાવતા પક્ષમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.

સુરત શહેર પ્રમુખની નિમણૂકના ૧૦ મહિના બાદ માંડ સંગઠનની જાહેરાત થઈ હતી. આ સંગઠનમાં સ્થાન મેળવવા માટે અનેક વિવાદિત નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવે જ્યારે પાલિકાની ૧૨૦ બેઠકો માટે ૨૦૦૦ થી વધુ દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે, ત્યારે આ જ હોદ્દેદારોએ ફરી ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે. કાર્યકરોમાં એવી ચર્ચા છે કે આ નેતાઓને સંગઠનનો હોદ્દો પણ જોઈએ છે અને કોર્પોરેટરની સત્તા પણ.

ટિકિટ માંગનારાઓની યાદીમાં શહેર ભાજપ સંગઠનના મંત્રી બિપિન ગાયત્રીશ્વ, યુવા ભાજપ પ્રમુખ બિપિન તલાવિયા, મહામંત્રી હર્ષ મહેતા, અનુસૂચિત જાતિ પ્રમુખ ચંપક પરમાર અને લઘુમતી મોરચાના પ્રમુખ ઇમરાન મેમણ જેવા કદાવર નેતાઓ સામેલ છે. વોર્ડ નં. ૧ માં ઓબીસી કેટેગરીની બેઠક પર ઓબીસી મોરચાના પ્રમુખ વિજય ભાટિયાએ પણ દાવેદારી કરી છે. આ સ્થિતિ જોઈને પાયાના અને જુના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે તેમને લાગે છે કે સંગઠનના હોદ્દેદારો જ બધું પચાવી પાડવા માંગે છે.

ભાજપના ઇતિહાસમાં ગત ચૂંટણીનો કિસ્સો પણ અત્યારે યાદ કરવામાં આવી રહ્યો છે. તે સમયે મહામંત્રી લલિત વેકરીયાએ ટિકિટ માટે પદ પરથી રાજીનામું આપીને કતારગામથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે પણ જો આ હોદ્દેદારો ટિકિટ માટે હઠ પકડશે, તો ભાજપમાં આંતરિક બળવો થવાની શક્યતા નકારી શકાતી નથી. શિસ્તબદ્ધ પક્ષ તરીકે ઓળખાતા ભાજપ માટે આ નેતાઓની મહત્વકાંક્ષા આગામી ચૂંટણીમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતાગીરી આ 'ડબલ હોદ્દા' ના મોહમાં ફસાયેલા નેતાઓ સામે કેવું વલણ અપનાવે છે.