Loading Please Wait !!!
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું 'ટેગ' હવે માત્ર નામનું: 1 જુલાઈથી બેંગકોક ફ્લાઈટ પણ બંધ!

  • 5 માંથી 3 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ - 90 લાખની વસ્તી ધરાવતા ડાયમંડ સિટી સાથે એરલાઇન્સનો 'ઓરમાયો' વ્યવહાર
  • એર ઇન્ડિયા એક્સપ્રેસનું બેંગકોક રૂટ પર બુકિંગ બંધ - મુસાફરોમાં ભારોભાર રોષ, એરલાઇન્સના લોજિક સામે ઉઠ્યા સવાલ
  • શારજાહ બાદ હવે બેંગકોક ફ્લાઈટ પર પણ કાતર - 85% ઓક્યુપન્સી હોવા છતાં સુરતને 'બજેટ ક્લાસ સિટી' ગણી અન્યાય

દેશના નવમા સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા શહેર સુરત સાથે હવાઈ સેવાઓના મામલે સતત અન્યાય થઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે ૧ જુલાઈ, ૨૦૨૬ થી સુરત-બેંગકોક રૂટ પરની ફ્લાઇટ્સનું બુકિંગ બંધ કરી દીધું છે. આ નિર્ણયને પગલે હવે સુરતથી વિદેશ જતી ફ્લાઇટ્સની સંખ્યા પાંચથી ઘટીને માત્ર બે પર આવી જશે, જેના કારણે મુસાફરો અને ઉદ્યોગ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરત-બેંગકોકની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ ઓપરેટ થતી હતી, પરંતુ હવે તેને 'બિન-નફાકારક' ગણાવીને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, આંકડા કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. સુરત એરપોર્ટ પર સરેરાશ ૮૫ ટકાથી વધુ મુસાફરોનો લોડ રહે છે અને ઇન્ડિગો જેવી એરલાઇન્સની ફ્લાઇટ્સ ૯૦ ટકા ક્ષમતા સાથે ઉડી રહી છે. આમ છતાં, એર ઇન્ડિયા મેનેજમેન્ટ દ્વારા સુરતને સતત સાઈડલાઇન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ એર ઇન્ડિયાએ ૨૫ લાખની વસ્તી ધરાવતા લુધિયાણા માટે નવી ફ્લાઈટની જાહેરાત કરી છે, જ્યારે ૯૦ લાખની મેગાસિટી સુરતની ચાલુ સેવાઓ પર કાતર ફેરવવામાં આવી રહી છે.

'વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત' ગ્રુપના સંજય જૈને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, "ટાટા ગ્રુપ દ્વારા એર ઇન્ડિયા હસ્તગત કર્યા બાદ સુરતની કનેક્ટિવિટી સુધરવાને બદલે સતત બગડી રહી છે. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા અને શારજાહ જેવા મહત્વના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. સુરતને માત્ર 'બજેટ ક્લાસ શહેર' તરીકે ગણવામાં આવે છે તે સ્પષ્ટ અન્યાય છે." ઉલ્લેખનીય છે કે, ૨૯ માર્ચથી શારજાહની ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી હતી, અને હવે બેંગકોક પણ આ યાદીમાં ઉમેરાયું છે.

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના ગઢ ગણાતા સુરતનું મહત્વ આંતરરાષ્ટ્રીય વેપારમાં દિન-પ્રતિદિન વધી રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સ જેવી સંસ્થાઓ કાર્યરત થઈ રહી છે ત્યારે હવાઈ સેવાઓમાં આ પ્રકારનો ઘટાડો શહેરના વિકાસને અવરોધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો એરલાઇન્સ સામે મજબૂત વલણ અપનાવવામાં નહીં આવે, તો સુરતનું 'ઇન્ટરનેશનલ એરપોર્ટ' નું ટેગ માત્ર કાગળ પર જ રહી જશે. સ્થાનિક અગ્રણીઓ અને મુસાફરો હવે આ મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી રહ્યા છે.