સુરતમાં ‘ભૂતિયા સાયકલ’નો આતંક કે ટેકનોલોજીનો ચમત્કાર? પેડલ જાતે લાગે અને વળાંક પણ લે, લોકો જોતા જ રહી ગયા
-
સ્માર્ટફોન અને રિમોટ કંટ્રોલથી સંચાલન; એનિમેટેડ પેડલિંગ જોઈને બાળકોમાં કુતૂહલ અને ડરનો માહોલ
-
ગરુડા AI બાઇક બાદ હવે સાયકલમાં ઇનોવેશન; ભવિષ્યમાં સ્માર્ટ ડિલિવરી માટે ઉપયોગી સાબિત થશે આ શોધ
-
૨૦ લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવતા યુટ્યુબર શિવમ મૌર્યનું નવું પરાક્રમ; ૧૦ વર્ષની મહેનત બાદ તૈયાર થયા અનેક રોબોટિક પ્રોજેક્ટ
સુરત શહેર હંમેશા તેના નવા પ્રયોગો માટે જાણીતું છે, ત્યારે શહેરના જાણીતા ઇનોવેટર શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે જોતા જ કોઈને પણ આશ્ચર્ય થાય. ‘ક્રિએટિવ સાયન્સ’ યુટ્યુબ ચેનલ દ્વારા જાણીતા શિવમે ૩ મહિનાની મહેનત અને અંદાજે ૩૫ હજાર રૂપિયાના ખર્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયકલ તૈયાર કરી છે, જેને સ્થાનિક લોકો ‘ભૂતિયા સાયકલ’ કહી રહ્યા છે.
કેવી રીતે કામ કરે છે આ સાયકલ? આ સાયકલની સૌથી મોટી ખાસિયત તેનું આબેહૂબ પેડલિંગ છે. સાયકલમાં માણસના પગ જેવું જ સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે, જે સાયકલ ચાલતી વખતે કુદરતી રીતે પેડલ મારતા હોય તેવું દેખાય છે. આ સાયકલને સ્માર્ટફોન એપ્લિકેશન, રિમોટ કંટ્રોલ અથવા અગાઉથી નક્કી કરેલા રૂટ માટે કોડિંગ (AI મેપિંગ) દ્વારા ચલાવી શકાય છે. તેમાં લગાવેલા સેન્સર્સ રસ્તા પર આવતી અડચણોને ઓળખી શકે છે અને વળાંક પણ લઈ શકે છે.
ભવિષ્યનું સ્માર્ટ ટ્રાન્સપોર્ટ શિવમ મૌર્ય, જેઓ અગાઉ ‘ગરુડા AI બાઇક’ અને રોબોટ રિક્ષા જેવા પ્રોજેક્ટ બનાવી ચૂક્યા છે, તેમના મતે આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી અને મોટા કેમ્પસમાં સિક્યુરિટી પેટ્રોલિંગ માટે થઈ શકે છે. ટેસ્ટિંગ દરમિયાન બાળકો અને લોકો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા. આવા ઇનોવેશન સુરતના યુવાનોને ટેકનોલોજીના ક્ષેત્રમાં કંઈક નવું કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે.