સુરતના રાંદેરમાં લોહિયાળ ખેલ: સામે જોવા જેવી બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું, 6 શખસોએ બે ભાઈઓને ચપ્પુ ઝીંક્યા!
- 1 મિનિટ સુધી રોડને બાનમાં લઈ હથિયારો ઉછળ્યા - CCTV ફૂટેજમાં કેદ થઈ હુમલાખોરોની કરતૂત
- "સામે કેમ જુઓ છો?" કહીને આચર્યું જીવલેણ કાવતરું - રાંદેર પોલીસે બે હુમલાખોરોને દબોચી લીધા
- જહાંગીરાબાદની રામા રેસિડેન્સી પાસે મોહિત અને યશ પર હુમલો - પોલીસે અનિલ ઉર્ફે રોની અને સાહિલની કરી ધરપકડ
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જહાંગીરાબાદ પાસે આવેલી રામા રેસિડેન્સીના ગેટ પાસે માત્ર 'સામે કેમ જુઓ છો' તેવી સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મોપેડ પર ધસી આવેલા ૬ શખસોએ ચપ્પુ અને લાકડાના ધોકા વડે બે સગા ભાઈઓ અને તેમના મિત્ર પર જીવલેણ હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
બનાવની વિગત મુજબ, રામા રેસિડેન્સી પાસે મોહિત કપૂર, તેનો ભાઈ યશ અને સમર્થ ઉભા હતા ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે એક શખસ સાથે બોલાચાલી થઈ હતી. જે-તે સમયે હુમલાખોર ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ થોડી જ વારમાં તે પોતાના અન્ય ૫ સાગરીતોને બે મોપેડ પર લઈને ઘાતક હથિયારો સાથે પરત ફર્યો હતો. આ ટોળકીએ આવતાની સાથે જ સમર્થ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જ્યારે મોહિત અને યશ તેને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ તૂટી પડી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે હુમલાખોરોએ અંદાજે ૧ મિનિટ સુધી રોડને બાનમાં લીધો હતો. મારામારી દરમિયાન એક યુવક બેફામ માર ખાતા રસ્તા પર પછડાય છે, છતાં હુમલાખોરો તેના પર બેલ્ટ અને લાકડાના ફટકા મારવાનું ચાલુ રાખે છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રાંદેર પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરતા બાતમીના આધારે ઉગત કેનાલ રોડ પાસેથી બે મુખ્ય આરોપી અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ (૧૯ વર્ષ) અને સાહીલ પવાર (૧૮ વર્ષ)ની ધરપકડ કરી છે. તેમની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ માત્ર પોતાની ધાક જમાવવા માટે આ પૂર્વ આયોજિત હુમલો કર્યો હતો.
હાલમાં આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ ફેનીલ પટેલ, રાજ સીંઘે અને નકુલ પટેલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. જાહેરમાં થયેલા આ ખૂની ખેલ બાદ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાંદેર પોલીસે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને વોન્ટેડ શખસોના સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.