Loading Please Wait !!!
મોદીના સોમનાથ આગમનને લઈ જીતુ વાઘાણીએ યોજી સમીક્ષા બેઠક

  • હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સૂર્યકિરણ એર શોનું આયોજન

સિટી ન્યૂઝ@ વેરાવળ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સોમનાથ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમોની રૂપરેખા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને સાંસદ રાજેશ ચુડાસમાએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ યોજાનાર વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ તેમણે વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ સ્થળોની જાત મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.,વડાપ્રધાનના પ્રવાસ અંગે માહિતી આપવા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અનેક આક્રાંતાઓના હુમલા છતાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે પણ સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડીખમ ઊભું છે. સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈને મંદિરના પુનનિર્માણનો સંકલ્પ કર્યો હતો અને 11 મે 1951 ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ઘટનાને 11 મે ના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે ઉજવાઈ રહેલા 'અમૃત પર્વ' માં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી સમગ્ર ગુજરાત તેમને આવકારવા ઉત્સુક છે.

મંદિરના પુનનિર્માણના 75 વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. મંત્રી વાઘાણીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ 'અમૃત પર્વ' અંતર્ગત સોમનાથમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે. આ ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર-શો, હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, ઐતિહાસિક એક્ઝિબિશન, જાહેર સભા તેમજ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.