વૃક્ષો કાપવા ટેવાયેલ તંત્ર સામે આચાર્યની અનોખી જીત
-
વૃક્ષો બચાવવા માટે આચાર્યએ જાતે બદલ્યો પ્લાન
-
સરકારી તંત્રની આંખ ઉઘાડવા આચાર્ય મેદાને આવ્યા
-
પર્યાવરણના ભોગ વગર બની રહી છે નવી કોલેજ
સિટી ન્યુઝ @ અમદાવાદ
શહેરમાં વિકાસ અને પર્યાવરણના સંતુલનનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં સામે આવ્યું છે.
સંસ્થાની જર્જરિત બિલ્ડિંગના સ્થાને અંદાજે RS 26.9 કરોડના ખર્ચે નવી ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ બાંધકામ દરમિયાન 40 થી 50 વર્ષ જૂનાં 28 જેટલાં ઘટાદાર વૃક્ષોને બચાવવા માટે બિલ્ડિંગની ડિઝાઇનમાં ખાસ ફેરફાર કરાયા છે.
કોલેજના આચાર્ય ભાસ્કર અય્યર ક્વોલિફાઇડ આર્કિટેક હોવાથી તેમણે જાતે જ પર્યાવરણને અનુકૂળ એવી નવી ગ્રીન બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે.
સરકારે અને R&B વિભાગે આ નવતર પ્રયોગને મંજૂરી આપી દીધી છે જેથી આધુનિક સુવિધાઓ સાથે કેમ્પસની હરિયાળી પણ અકબંધ રહેશે.
વૃક્ષો કાપવાના શોખીન તંત્ર માટે આચાર્ય બન્યા ઉદાહરણ
સરકારી બાંધકામોમાં હંમેશાં હરિયાળીનું નિકંદન કાઢવાની જૂની માનસિકતા વચ્ચે એક આચાર્યએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાનો શાનદાર માર્ગ શોધી કાઢ્યો છે. મોટાભાગે વૃક્ષો કાપીને કોંક્રિટના જંગલો બનાવતા સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો માટે આ કિસ્સો એક સચોટ તમાચો સમાન છે, જે સાબિત કરે છે કે થોડી બુદ્ધિમત્તા વાપરવાથી વિકાસ અને પ્રકૃતિ બંને સાચવી શકાય છે.