સુરતમાં માનવતા લજાઈ: પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનું પાપી કાવતરું, સસરા-પુત્રવધુ હોસ્પિટલ ભેગા!
- શાલીગ્રામ સ્ટેટ્સ' જેવી પોશ સોસાયટીમાં લાડુમાંથી નીકળી ઝેરની ગોળીઓ – પાડોશી પર શંકાની સોય
- બુંદીના લાડુ ખાતા જ સસરા વેન્ટિલેટર પર – દીકરીએ લાડુ વીખ્યા તો અંદરથી દવાઓની ટીકડીઓ નીકળી
- 35 વર્ષની મિત્રતા ઝેરમાં ફેરવાઈ – CCTV માં 5 શંકાસ્પદ કેદ, ઉત્રાણ પોલીસ તપાસમાં વ્યસ્ત
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી હાઈ-પ્રોફાઈલ સોસાયટી 'શાલીગ્રામ સ્ટેટ્સ' માં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં વર્ષોના પાડોશી સંબંધોમાં ઝેર ભળ્યું છે. ધાર્મિક આસ્થાના પ્રતીક એવા પ્રસાદનો ઉપયોગ કરીને ગોરધનભાઈ ડોંડાના આખા પરિવારને ખતમ કરવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘરના ઉંબરામાં પડેલી લાડુની થેલીને પ્રસાદ સમજીને ખાનારા સસરા અને પુત્રવધુને ગંભીર હાલતમાં કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભોગ બનનાર કિરણબેને જણાવ્યું હતું કે, "બપોરે મારા સસરા પ્રસાદી માનીને લાડુ લાવ્યા હતા. અમે થોડા જ ચાખ્યા ત્યાં તો ચક્કર આવવા લાગ્યા અને હું ઢળી પડી. મારાથી ઊભું પણ નહોતું થવાતું." જ્યારે તેમની દીકરી ઈશાએ શંકા જતાં લાડુને વીખ્યા, ત્યારે અંદરથી અનાજમાં નાખવાની ઝેરની ગોળીઓ મળી આવતા સૌના હોશ ઉડી ગયા હતા. ગોરધનભાઈની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી.
પરિવારના આક્ષેપ મુજબ, પાડોશમાં રહેતી એક વ્યક્તિની દીકરી ભાગી ગઈ હતી અને તેમને વહેમ હતો કે કિરણબેને તેને મદદ કરી છે. આ જ વેર રાખવા માટે પાડોશીએ આખું ઘર ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હોઈ શકે છે. ગોરધનભાઈએ ભારે રોષ સાથે કહ્યું, "મને સામેવાળા પર 100% શંકા છે. હવે કાં તો મારે ફ્લેટ ખાલી કરવો પડશે અથવા તેમને કાઢવા પડશે."
ઉત્રાણ પોલીસે આ મામલે ગુનો નોંધી CCTV ફૂટેજ કબજે કર્યા છે, જેમાં 5 શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળી છે. રાજકોટના રહીશો માટે પણ આ ઘટના લાલબત્તી સમાન છે કે અજાણ્યા કે શંકાસ્પદ સંજોગોમાં મળેલી કોઈ પણ ખાવાની ચીજવસ્તુ ચકાસ્યા વગર ન લેવી. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે ક્યારેક પાડોશીના ઓઠાં હેઠળ છુપાયેલા દુશ્મનો સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.