Loading Please Wait !!!
ગિરનારના 10 હજાર પગથિયા પર પ્રવાસીઓ તરસ્યા: પાણી માટે વલખા મારતી જનતા

  • પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ પણ ઉપર ₹50માં વેચાય છે સીલ વગરનું લોકલ પાણી; તંત્ર ઘોર નિદ્રામાં
  • ધોમધખતા તાપમાં બાળકો અને વૃદ્ધો પરેશાન; અંબાજી મંદિર પાસેનું શૌચાલય પણ ખંઢેર હાલતમાં
  • નીચે સિક્યુરિટી બોટલ રખાવી દે છે, ઉપર મોંઘા ભાવે વેચાય છે 'મોતનું પાણી'; પ્રવાસીઓમાં ભારે રોષ

સિટી ન્યુઝ @ જુનાગઢ :  જૂનાગઢમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે, ત્યારે ગિરનાર પર્વતની યાત્રાએ આવતા હજારો પ્રવાસીઓ અત્યારે પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનારના નામે નીચે જ પ્રવાસીઓની પાણીની બોટલો જપ્ત કરી લેવામાં આવે છે, પરંતુ પર્વત પર ચડતી વખતે તેમને પીવા માટે શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. 10,000 પગથિયાંના આ કપરા ચઢાણમાં માત્ર એકાદ-બે જગ્યાએ જ પાણીની વ્યવસ્થા હોવાથી શ્રદ્ધાળુઓની હાલત કફોડી બની છે.

મુંબઈ અને મહારાષ્ટ્રથી આવેલા પ્રવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગિરનાર પર પાણીની એક બોટલના ₹50 થી ₹100 વસૂલવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે બોટલો વેચાય છે તે પણ ઘણીવાર સીલ પેક હોતી નથી અને તેમાં લોકલ નળનું પાણી ભરીને શ્રદ્ધાળુઓને પધરાવી દેવામાં આવે છે. નાના બાળકો સાથે આવતા પરિવારો માટે આ કાળઝાળ ગરમીમાં પાણી વિના એક-એક ડગલું ભરવું મુશ્કેલ બની રહ્યું છે. પ્રશાસન દ્વારા છાંયડા કે બેસવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી.

સુવિધાઓના અભાવે માત્ર પાણી જ નહીં, પરંતુ શૌચાલયની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. મહિલા પ્રવાસીઓ માટે પર્વત પર શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. અંબાજી મંદિર પાસે આવેલું શૌચાલય અત્યારે ખંઢેર હાલતમાં છે. પ્રવાસીઓના મતે, સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ સ્થાનિક તંત્ર આ સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કે ચોટીલાની જેમ અહીં પણ છાંયડા અને પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

તંત્ર દ્વારા અગાઉ મોટી જાહેરાત કરવામાં આવી હતી કે, આશરે ₹83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી ફ્લોટિંગ પંપ દ્વારા અંબાજી સુધી પહોંચાડવામાં આવશે. પરંતુ આ યોજના હજુ સુધી કાગળ પર જ હોય તેમ લાગે છે. હાલમાં માત્ર રોપ-વે દ્વારા અંબાજી પાસે એક કુલરની વ્યવસ્થા કરાઈ છે, જે હજારોની મેદની સામે સાવ નગણ્ય છે.

જો જૂનાગઢ વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણી, શૌચાલય અને છાંયડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ગિરનાર આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે. પ્રવાસીઓ હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે સુવિધાઓના અભાવે આ તેમની છેલ્લી મુલાકાત છે. આ ગંભીર મુદ્દે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, જે તંત્રની ઉદાસીનતા છતી કરે છે.