સુરત મેયર પદ માટે ભાજપમાં મંથન: 58 મહિલા કોર્પોરેટરોમાં કોણ મારશે બાજી?
- સેન્સ પ્રક્રિયામાં પદ મેળવવાની હોડ; હોસ્પિટલના બિછાનેથી પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા કોર્પોરેટર.
- 5 નામોની પેનલ થશે તૈયાર; 8 મે સુધીમાં સુરત મનપાના નવા પદાધિકારીઓના નામ પર વાગશે મહોર.
- સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર પદ માટે અનેક નામો રેસમાં; શિક્ષણ સમિતિમાં નિરાશ કાર્યકરોને સમાવાશે.
સિટી ન્યુઝ @ સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 115 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે ભાજપે પદાધિકારીઓની પસંદગી માટે કવાયત તેજ કરી છે. સુરતના આગામી મહિલા મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આજે શનિવારે સવારથી સુરત ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટનો માહોલ જોવા મળ્યો હતો.
સેન્સ પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર-1 ના એક મહિલા વિજેતા ઉમેદવાર જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, તેઓ સીધા હોસ્પિટલથી જ પોતાનો અભિપ્રાય આપવા માટે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા, જે પદ મેળવવાની અદમ્ય ઈચ્છા દર્શાવે છે. ભાજપના નિરીક્ષકો સમક્ષ તમામ 115 ચૂંટાયેલા સભ્યોએ પોતાનો મત રજૂ કર્યો છે. દરેક મહત્વના હોદ્દા માટે અંદાજે 5 નામોની પેનલ તૈયાર કરવામાં આવશે અને આગામી 6, 7 અને 8 મે ના રોજ મળનારી ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં આ નામો પર આખરી મહોર મારવામાં આવશે.
માત્ર મેયર જ નહીં, પરંતુ અંદાજે 1,000 કરોડનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માનવામાં આવે છે કે ટિકિટ ફાળવણી સમયે જે કાર્યકરો નિરાશ થયા હતા, તેમને શિક્ષણ સમિતિમાં સમાવીને સંગઠનમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. સુરતમાં મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે પણ અનેક નામો ચર્ચામાં છે. ખાસ કરીને 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોની લોટરી લાગશે તે હવે જોવાનું રહ્યું.