Loading Please Wait !!!
ગિરનારની અસ્મિતા પર ખતરો: મહેશગીરી બાપુએ જમીન કૌભાંડ સામે છેડી આરપારની લડાઈ

  • ભૂતનાથ મહંતની ગર્જના: 'વેચાઈ ગયેલા બાવાઓ' અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લડવું જ પડશે
  • 23મી એપ્રિલે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન, કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાશે
  • લેન્ડ રેકોર્ડમાં છેડછાડ કરી 47 ના બદલે 150 જગ્યાઓ બતાવી મોટું કૌભાંડ આચર્યાનો દાવો

જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા તેમજ સનાતની પરંપરાઓ પર તોળાઈ રહેલા જોખમને પગલે સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા કથિત દબાણો તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિઓના વિરોધમાં હવે 'ગિરનાર બચાવો સમિતિ' દ્વારા આરપારની લડાઈના મંડાણ કરવામાં આવ્યા છે.

ભૂતનાથ મંદિર ખાતે મળેલી બેઠકમાં મહંત મહેશગીરી બાપુએ સત્તાવાળાઓ અને વિરોધી સંપ્રદાયો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગિરનારમાં જમીનો ખુલ્લેઆમ વેચાઈ રહી છે અને મંદિરોમાં કબજા થઈ રહ્યા છે. જૈન સંપ્રદાયને જે રીતે 2000 વાર જમીન અપાઈ છે, તે ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી. બાપુએ ચેતવણી આપી હતી કે જો આજે સનાતનીઓ નહીં જાગે તો ભવિષ્યમાં સામાન્ય શ્રદ્ધાળુઓ માટે તળેટીમાં પગ મૂકવો પણ મુશ્કેલ બની જશે.

આ લડાઈમાં મહેશગીરી બાપુએ અત્યાર સુધીના અનેક વિવાદોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં માંસ-મદિરાના પ્રકરણ અને ગૌરક્ષનાથજીની મૂર્તિ ખંડિત કરવા જેવી ઘટનાઓ છતાં જૂનાગઢની જનતાનું મૌન આશ્ચર્યજનક છે. તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું કે, જો આગામી 23મી તારીખની રેલીમાં લોકો સાથ નહીં આપે, તો આવનારી પેઢીઓ માટે ગિરનાર સુરક્ષિત નહીં રહે. આ લડાઈ માટે તેમણે 22 જેટલા કોર્ટ કેસો અને કરોડોના ખર્ચ છતાં અડગ રહેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.

બીજી તરફ, ભાવેશ વેકરિયા અને અન્ય આગેવાનોએ આને મસમોટું જમીન કૌભાંડ ગણાવ્યું છે. 1949 ના મંકોડી કમિશનના અહેવાલ મુજબ અન્ય સંપ્રદાય પાસે માત્ર 46-47 જગ્યાઓ હતી, જે આજે લેન્ડ રેકોર્ડમાં છેડછાડ કરીને 150 થી વધુ દર્શાવવામાં આવી રહી છે. શેષાવન, ભરતવન અને હનુમાનધારા જેવા વિસ્તારોમાં કોઈપણ પરવાનગી વગર ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સરકારી અધિકારીઓની મિલીભગત હોવાનું પણ સમિતિએ જણાવ્યું છે.

સમિતિ દ્વારા આગામી 23 એપ્રિલ 2026 ના રોજ હજારોની સંખ્યામાં ભક્તો સાથે વિશાળ બાઈક રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું છે. રાજકીય નેતાઓને પણ આ રેલીમાં હાજર રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મહેશગીરી બાપુએ સ્પષ્ટ કર્યું છે કે આ સનાતન અસ્મિતાની લડાઈ છે અને જે ગિરનારના હિતમાં મેદાને નહીં પડે તેને આવનારો ઈતિહાસ ક્યારેય માફ નહીં કરે.