Loading Please Wait !!!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ‘મહાછબરડો’: M.Ed. સેમ-4 નું પેપર મોકલતા જ તંત્ર ભૂલી ગયું, 155 વિદ્યાર્થીઓ કલાક સુધી મુંઝાયા

 

  • 2:30 ના બદલે 3:30 વાગ્યે પરીક્ષા શરૂ થઈ; ટેક્નિકલ એજ્યુકેશન-2 ના પેપરમાં યુનિવર્સિટીની ગંભીર બેદરકારી

  • સર્વોદય કોલેજ કેન્દ્ર પર ઈ-મેઈલ મોડો પહોંચતા મચી અફરાતફરી; પરીક્ષાનો સમય એક કલાક લંબાવવો પડ્યો

  •  શિસ્તબદ્ધ પરીક્ષાના દાવા વચ્ચે પેપર કાઢતા કે મોકલતા રહી જવાની ઘટનાએ યુનિવર્સિટીની છબી ખરડી

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાઓમાં આજથી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના સેમેસ્ટર-2 ના કુલ 25 કોર્સની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જોકે, આ પ્રારંભ સાથે જ યુનિવર્સિટીનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો છે. એમ.એડ. (M.Ed.) સેમેસ્ટર-4 નું પ્રથમ પેપર મોકલવાનું જ યુનિવર્સિટી પ્રશાસન ભૂલી જતાં 155 વિદ્યાર્થીઓએ એક કલાક સુધી પરીક્ષા કેન્દ્ર પર રાહ જોવી પડી હતી.

    પેપર મોડું મળતા સમય વધારાયો રાજકોટની સર્વોદય કોલેજ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર 'ટેક્નિકલ એજ્યુકેશન-2' નું પેપર ઈ-મેઈલ દ્વારા મોકલવાનું હતું, પરંતુ યુનિવર્સિટીની ભૂલને કારણે તે નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું મોકલવામાં આવ્યું હતું. પરિણામે, બપોરે 2:30 વાગ્યે શરૂ થનારી પરીક્ષા 3:30 વાગ્યે શરૂ થઈ શકી હતી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી યુનિવર્સિટીએ પરીક્ષા પૂર્ણ કરવાનો સમય સાંજે 5:00 ને બદલે 6:00 વાગ્યાનો કર્યો હતો.

    51 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ છબરડા સિવાય અન્ય તમામ કેન્દ્રો પર પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ છે. રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી અને સુરેન્દ્રનગરના કુલ 125 કેન્દ્રો પરથી 51,836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં સૌથી વધુ B.A. ના 17,948 અને B.Com. ના 16,595 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષાની પારદર્શિતા માટે 95 કેન્દ્રો પર ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે અને તમામ કામગીરી CCTV ની દેખરેખ હેઠળ થઈ રહી છે.

    કોર્સ વિદ્યાર્થીઓની સંખ્યા
    B.A. 17,948
    B.Com. 16,595
    B.C.A. 5,990
    B.B.A. 5,295
    B.Sc. 1,861
    M.A. 1,024
    કુલ વિદ્યાર્થીઓ 51,836