સરગમ ક્લબના ઇવનિંગ પોસ્ટમાં સંગીત સંધ્યા
- વડીલોના મનોરંજન માટે 4 થી 10 મે સુધી રોજ સાંજે 5:30 કલાકે કાર્યક્રમ
- સળંગ 7 દિવસ અલગ-અલગ 7 મ્યુઝિકલ ગ્રુપ દ્વારા પીરસવામાં આવશે સંગીત
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સરગમ ક્લબ સંચાલિત સિનિયર સિટીઝન પાર્ક 'ઇવનિંગ પોસ્ટ' દ્વારા વડીલોના મનોરંજન માટે 1 અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન્સ માટે આગામી 4 મે 2026 થી 10 મે 2026 સુધી સળંગ 7 દિવસ માટે ભવ્ય સંગીત સંધ્યા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ સાંજે 5:30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અલગ-અલગ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સૂરની રમઝટ બોલાવવામાં આવશે.
આ 7 દિવસીય સંગીત મહોત્સવની વિગતો આપતા જણાવાયું છે કે, 4 મે (સોમવારે) 'સૂર સુંદર મ્યુઝિકલ ગ્રુપ', 5 મે (મંગળવારે) 'સ્વરમ ગ્રુપ', 6 મે (બુધવારે) 'એમ.ટી. મ્યુઝિકલ ગ્રુપ' અને 7 મે (ગુરુવારે) 'ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ' પોતાની પ્રસ્તુતિ આપશે. જ્યારે 8 મે (શુક્રવારે) 'કે.કે. મ્યુઝિકલ ગ્રુપ', 9 મે (શનિવારે) 'દિલસુંદર કરાઓકે' અને 10 મે (રવિવારે) 'સૂર રમઝટ' દ્વારા સંગીત પીરસવામાં આવશે.
સરગમ ક્લબ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, આ સંગીત સંધ્યામાં માત્ર સરગમ ક્લબના ઇવનિંગ પોસ્ટના સભ્યોને જ પ્રવેશ આપવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર તમામ સભ્યોએ પોતાનું આઈકાર્ડ સાથે લાવવું ફરજિયાત છે, તેના વગર પ્રવેશ મળશે નહીં. તમામ મેમ્બરોને સમયસર હાજરી આપવા જણાવાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શનમાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ-ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોલંકી, અજયરાજ દવે, જયેશભાઈ ભટ્ટ, મુન્નાભાઈ ઠક્કર, નીલાબેન હિંડોચા, કૃષ્ણકાંતભાઈ ઉપાધ્યાય, દિલીપભાઈ સોની અને ચેતનભાઈ રાવલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.