મનપાની સરોજિની નાયડુ હાઈસ્કૂલનું 100% પરિણામ
- ખાનગી સ્કૂલને ટક્કર આપતા બે સ્કુલના પરિણામો
- પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું પરિણામ 80.20%, ગત વર્ષ કરતા 5.20% નો સુધારો
- કુલ 107 માંથી 40 વિદ્યાર્થીનીઓએ 90 થી વધુ PR મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી
- શિક્ષકોનો અવિરત પ્રયત્ન અને મનપાના યોગ્ય માર્ગદર્શનથી શૈક્ષણિક ગુણવત્તામાં વધારો
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલે ધોરણ 12 બોર્ડના પરિણામોમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ વર્ષે સરોજિની નાયડુ હાઈસ્કૂલે 100% અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલે 80.20% પરિણામ મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું છે.
સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની તમામ 107 વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું પરિણામ 100% નોંધાયું છે. જેમાં 80 PR થી વધુ ગુણ મેળવનાર 57 અને 90 PR થી વધુ ગુણ મેળવનાર 40 વિદ્યાર્થીનીઓ સામેલ છે. 1 પણ વિદ્યાર્થી નાપાસ ન થવું એ શાળાના મજબૂત શૈક્ષણિક ધોરણની સાબિતી આપે છે.
બીજી તરફ, પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલના કુલ 96 માંથી 77 વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 80.20% નોંધાયું છે. માર્ચ 2025 માં આ પરિણામ 75% હતું, જેમાં આ વર્ષે 5.20% નો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ સિદ્ધિ પાછળ શિક્ષકો, વિદ્યાર્થીઓની અથાક મહેનત અને વાલીઓનો સહકાર રહેલો છે.
સરોજિની નાયડુ હાઈસ્કૂલે છેલ્લા 3 વર્ષથી સતત 100% પરિણામની અકબંધ પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થિની ક્રિષા ઉમરાણિયાએ 99.99 PR મેળવી શાળાનું નામ રોશન કર્યું છે, જ્યારે અન્ય 12 વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષયોમાં પૂરા 100 ગુણ મેળવ્યા છે. મનપાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્ગદર્શનના કારણે જ આ ભવ્ય સિદ્ધિ શક્ય બની છે.