દવા વગર ગાઢ ઊંઘ અપાવતો ‘ન્યુસ્લીપ’ પેચ વિકસાયો!
- અલ્ટ્રાસાઉન્ડ તરંગોથી 43 મિનિટ વહેલા ઊંઘમાં પહોંચાડશે!
- 28 લોકો પર પરીક્ષણમાં ઉત્સાહજનક પરિણામ મળ્યા!
- ઊંઘની ગોળીઓની આડઅસરથી છુટકારો અપાવતી નવી ટેકનિક!
સિટી ન્યુઝ @ ટેક્સાસ
અનિદ્રા અને માનસિક તણાવથી ઝઝૂમી રહેલા લોકો માટે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિનના સંશોધકોએ કોઈપણ દવા વગર ઊંઘની ગુણવત્તા સુધારતો વેરેબલ પેચ વિકસાવ્યો છે.
ન્યુસ્લીપ નામનો આ મુલાયમ પેચ હળવા અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરીને મગજના ઊંડા હિસ્સાઓને સક્રિય કરે છે, જેનાથી લોકો સરેરાશ 43 મિનિટ વહેલા ગાઢ ઊંઘમાં પહોંચી શકે છે અને ત્યાં 16 મિનિટ વધુ સમય વિતાવી શકે છે.
નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ ત્વચા પર ચોંટી જતા આ પેચમાં અલ્ટ્રાસાઉન્ડ તરંગો સાથે મગજની ગતિવિધિ પર નજર રાખતા ઇલેક્ટ્રોડ પણ લાગેલા છે, જે કોઈપણ ચીરફાડ વગર ધ્વનિ ઊર્જા પહોંચાડે છે અને ઊંઘની દવાઓની આડઅસરથી બચાવે છે.
REM ઊંઘ યાદશક્તિ મજબૂત કરવા, લાગણીઓને સંતુલિત રાખવા અને તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં ખલેલ પડવાથી ડિપ્રેશન, એંગ્ઝાયટી અને PTSD જેવી સમસ્યાઓ થઈ શકે છે.
28 સહભાગીઓ પર થયેલા પરીક્ષણમાં પેચ પહેરનારા 43 મિનિટ વહેલા REM તબક્કામાં પહોંચ્યા હતા, પેચ પહેરવામાં આરામદાયક અને આડઅસર રહિત જણાયો હતો તથા સ્વસ્થ સહભાગીઓમાં હાર્ટ રેટ વેરિએબિલિટીમાં પણ સુધારો નોંધાયો હતો.
દવામુક્ત ઊંઘ ટેકનિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ
પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક સ્વાસ્થ્ય અને રોજિંદા કાર્યક્ષમતા માટે અત્યંત જરૂરી છે. દવાઓ પરની નિર્ભરતા ઘટાડતી નવી વૈજ્ઞાનિક ટેકનિકો ભવિષ્યમાં અનિદ્રા અને તણાવના નિયંત્રણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.