Loading Please Wait !!!
પાર્લર ગયા વિના ઘરે જ દૂર કરો કાળાશ!

  • હાથ-પગની ટેનિંગ અને ડેડ સ્કિન માટે સરળ ઉપાય!
  • ઘરે જ પેડીક્યોર કરીને મેળવો સ્વચ્છ અને ચમકતી ત્વચા!
  • ચહેરાની સાથે હાથ-પગની નિયમિત સંભાળ રાખવી જરૂરી!

સિટી ન્યુઝ @ લાઈફસ્ટાઈલ

સામાન્ય રીતે લોકો પોતાના ચહેરાની પૂરતી કાળજી રાખે છે, પરંતુ હાથ અને પગની નિયમિત સંભાળ ન લેવાને કારણે તેમાં ટેનિંગ, ડેડ સ્કિન અને કાળાશ જમા થવા લાગે છે.

આ સમસ્યા દૂર કરવા માટે પાર્લર જવું જરૂરી નથી, કારણ કે ઘરે જ સરળ રીતે પેડીક્યોર અને ઘરેલું સ્ક્રબનો ઉપયોગ કરીને હાથ-પગની કાળાશ તથા ડેડ સ્કિન સરળતાથી દૂર કરી શકાય છે.

નિયમિત ઘરેલું સંભાળ અને યોગ્ય સ્કિન કેર ટિપ્સ અપનાવવાથી પાર્લરના ખર્ચ વિના જ હાથ અને પગની ત્વચાને સ્વચ્છ, મુલાયમ અને ચમકદાર રાખી શકાય છે.

ત્વચાની સંભાળ, ઘરેલું ઉપચાર અને નિયમિત જાળવણી

સૂર્યપ્રકાશ અને ધૂળ-પ્રદૂષણની અસર ચહેરાની સાથે હાથ અને પગની ત્વચા પર પણ પડે છે. ઘરેલું સ્ક્રબ અને નિયમિત સ્વચ્છતા ત્વચાની કુદરતી ચમક જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

પાર્લર ગયા વગર દૂર થશે હાથ-પગની કાળાશ

સૂર્યપ્રકાશ, ધૂળ અને પ્રદૂષણને કારણે પગની ત્વચા ધીમે-ધીમે કાળી પડવા લાગે છે અને તેના પર મૃત ત્વચા એટલે કે ડેડ સ્કિનનું સ્તર જામી જાય છે, જેનાથી ત્વચા નિસ્તેજ અને શુષ્ક દેખાય છે. હાથ-પગની કાળાશ દૂર કરવા ઘરે જ પેડીકયોર કરી શકો છો. દરરોજ મોંઘા પાર્લરમાં જઈને પેડિક્યોર કરાવવું દરેક માટે શક્ય હોતું નથી. જોકે, ઘરમાં રહેલી સામાન્ય સામગ્રીની મદદથી તમે સરળતાથી હાથ અને પગની સફાઈ કરી શકો છો. આયુર્વેદિક ડૉક્ટર ઉપાસના વોહરાએ પગ પર જામેલી કાળાશ અને ડાઘ દૂર કરવાની એક સરળ ઘરેલું રીત શેર કરી છે.

કાળા પગ સાફ કરવા માટે કેવી રીતે પગ પલાળવા?

હાથ-પગના કાળા ડાઘ દૂર કરવા તમારે બહારથી મોંઘી પ્રોડક્ટ કે વધુ ખર્ચ કરવાની જરૂર પડતી નથી. ઘરમાં રહેલ સામગ્રીથી પેડીકયોર કરી શકો છો. આ માટે સૌપ્રથમ પગને હૂંફાળા પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક ટબમાં ગરમ પાણી લઈ તેમાં 2 ચમચી ખાંડ, 1 ચમચી લિક્વિડ ક્લીન્ઝર અથવા સર્ફેક્ટન્ટ, 1 ચમચી એરંડાનું તેલ અને 1 લીંબુનો રસ ઉમેરો. આ પાણીમાં પગને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો, જેનાથી ત્વચા નરમ પડે છે અને જામેલી ગંદકી તથા ડેડ સ્કિન સરળતાથી નીકળી શકે છે.

 

ઘરે સ્ક્રબ કેવી રીતે બનાવવું અને વાપરવું?

પગ પલાળ્યા બાદ ત્વચાની વધુ સારી સફાઈ માટે ઘરે જ સ્ક્રબ તૈયાર કરી શકાય છે. એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ખાંડ, 1/2 થી 1 ચમચી કોફી પાવડર, 1 ચમચી મધ અને થોડું દૂધ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ સ્ક્રબને હાથ અને પગ પર લગાવી, વધેલા લીંબુના છાલ વડે હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ ૫ થી 10 મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે અને પગ સ્વચ્છ દેખાવા લાગે છે.

નિયમિત સંભાળથી ત્વચા રહેશે સ્વસ્થ

જો તમારા હાથ અને પગ પર વધુ પડતું ટેનિંગ અથવા ડેડ સ્કિન જામી ગઈ હોય, તો આ ઉપાય અઠવાડિયામાં 1 થી 2 વખત અજમાવી શકાય છે. નિયમિત રીતે આવી કાળજી રાખવાથી હાથ અને પગની ત્વચા સાફ, મુલાયમ અને તંદુરસ્ત રહે છે.