ન્યુઝીલેન્ડમાં અડધું લાલ અને અડધું પીળું અદભુત સફરજન મળ્યું
- કુદરતનો કરિશ્મા: 10 લાખ ફળોમાંથી માત્ર એકાદમાં જ જોવા મળતો રેર જનીનગત બદલાવ
- બ્રેબર્ન ઍપલના પાર્સલમાંથી મળેલા અનોખા ફળને જોઈને દુકાનદાર અને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત
- એક જ ફળમાં બે અલગ જિનેટિકલ ટિશ્યુઝ વિકસિત થતા સફરજન બે સરખા ભાગમાં વહેંચાયું
સિટી ન્યુઝ @ વેલિંગ્ટન
ન્યુઝીલેન્ડમાં એક એવું અદભુત સફરજન ઊગ્યું છે જેને જોઈને સામાન્ય નાગરિકોથી લઈને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સામાન્ય રીતે સફરજન આખું લાલ અથવા પીળા રંગની ત્વચા ધરાવતું હોય છે, પરંતુ આ ફળ એકદમ હાફ પાર્ટમાં વહેંચાયેલું છે. ન્યુઝીલેન્ડમાં જોવા મળેલા આ અનોખા સફરજનનો અડધોઅડધ ભાગ ઘાટો લાલ રંગ ધરાવે છે, જ્યારે બાકીનો અડધોઅડધ ભાગ એકદમ ચમકીલી પીળી ત્વચા ધરાવે છે. વનસ્પતિ નિષ્ણાતોના મતે આવી અદભુત ઘટના 10 લાખ ફળોમાંથી માત્ર એકાદ કિસ્સામાં જ જોવા મળતી હોય છે.
આ અનોખું ઍપલ મે મહિનામાં બ્રેબર્ન ઍપલના એક કમર્શિયલ પાર્સલમાંથી અચાનક મળી આવ્યું હતું. ફળની ખાસિયત એ છે કે તેના બંને રંગો વચ્ચે કોઈ મિશ્રણ નથી, પરંતુ જાણે સ્કેલથી અડધોઅડધ પરફેક્ટ ભાગ પાડ્યા હોય તે રીતે બંને રંગ સ્પષ્ટ વહેંચાયેલા છે. વૈજ્ઞાનિક અને વનસ્પતિશાસ્ત્રની ભાષામાં આવા સફરજનને 'કાઇમેરા ઍપલ' તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની સ્થિતિ અત્યંત રેર જનીનગત બદલાવ (જિનેટિકલ મ્યુટેશન) ના કારણે સર્જાય છે, જેમાં એક જ ફળની અંદર બે અલગ-અલગ જિનેટિકલ ટિશ્યુઝ એકસાથે સમાંતર રીતે વિકસિત થાય છે.
જે સ્થાનિક ફળના દુકાનદારને સફરજનની પેટીમાંથી આ અનોખું ફળ મળ્યું હતું તે પણ સંપૂર્ણપણે અચંતિબત છે. દુકાનદારે જણાવ્યું કે તેણે પોતાના લાંબા વ્યવસાયિક જીવનમાં આ પહેલાં ક્યારેય આવું અદભુત કલર કોમ્બિનેશન ધરાવતું ફળ જોયું નથી. આ દુર્લભ ફળ સોશિયલ મીડિયા પર પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલના તબક્કે આ અતિ દુર્લભ ગણાતા સફરજનને સડવા કે બગડવા દીધા વગર વૈજ્ઞાનિક નિરીક્ષણ માટે અને લોકોના જોવા માટે ખાસ કેમિકલ પ્રક્રિયા દ્વારા સાચવી રાખવામાં આવ્યું છે.
શું છે કાઇમેરા એપલ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય?
વનસ્પતિ વિજ્ઞાન અનુસાર જ્યારે ફળના વિકાસના પ્રારંભિક તબક્કામાં કોષ વિભાજન દરમિયાન કોઈ અસામાન્ય જિનેટિકલ ફેરફાર થાય છે ત્યારે આવી ઘટના બને છે. કાઇમેરા સ્થિતિમાં એક જ ફળમાં બે અલગ ડીએનએ પ્રોફાઇલ ધરાવતા ટિશ્યુઝ સાથે વધે છે. જેને કારણે ફળનો અડધો ભાગ એક પ્રજાતિનો અને બાકીનો અડધો ભાગ બીજી પ્રજાતિના રંગ-રૂપ ધારણ કરી લે છે.