Loading Please Wait !!!
વાળમાં પ્રોટીન હોવાની માન્યતા પડી ભારે: યુવકના પેટમાંથી નીકળ્યો વાળનો મોટો ગુચ્છો

  • ૨૪ વર્ષના યુવકને 'ટ્રાઇકોબેઝોઆર' નામની દુર્લભ બીમારી, ઓપરેશન દ્વારા કરાઈ સારવાર
  • પેટમાં સતત દુખાવો અને બેચેનીથી પરેશાન યુવકને સર્જરી દ્વારા અપાઈ નવી જિંદગી
  • અંધશ્રદ્ધાને કારણે યુવકે વર્ષો સુધી વાળ ખાધા, છેવટે પેટમાં જામી ગાંઠ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

બાળપણમાં સાંભળેલી એક અંધશ્રદ્ધા કે "વાળમાં પ્રોટીન હોય છે" એ માન્યતા ૨૪ વર્ષના એક યુવક માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. વર્ષો સુધી વાળ ખાવાની આ આદતને કારણે યુવકના પેટમાં ૯ સેન્ટિમીટરનો વાળનો મોટો ગુચ્છો જમા થઈ ગયો હતો, જેના કારણે તેને અંતે સર્જરીનો સહારો લેવો પડ્યો હતો. યુવક છેલ્લા કેટલાક મહિનાઓથી છાતી અને પેટના ઉપરના ભાગમાં સતત દુખાવો, ઉબકા અને બેચેની જેવી સમસ્યાઓથી પરેશાન હતો.

સારવાર માટે આકાશ હોસ્પિટલ પહોંચેલા યુવકનું નિદાન કરતા સીનિયર ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. શરદ મલ્હોત્રાએ જણાવ્યું કે, યુવક 'ટ્રાઇકોબેઝોઆર' (Trichobezoar) નામની દુર્લભ બીમારીથી પીડિત હતો. આ સ્થિતિમાં ગળી ગયેલા વાળ પેટમાં જમા થતા રહે છે અને સમય જતાં તે એક નક્કર ગાંઠનું સ્વરૂપ ધારણ કરી લે છે. શરીરની પાચનક્રિયા વાળને પચાવી શકતી નથી અને તે કુદરતી રીતે બહાર પણ નીકળી શકતા નથી, જેના કારણે આવી ગંભીર સ્થિતિ સર્જાય છે.

ડોક્ટરોના મતે, વાળ ખાવાની આ આદત ઘણીવાર માનસિક કારણોસર પણ હોઈ શકે છે. આ કેસમાં બાળપણની એક ખોટી માન્યતાએ યુવકને લાંબા ગાળા સુધી આ આદત તરફ ધકેલ્યો હતો. ડૉક્ટરોએ આવી કોઈપણ આદત કે લક્ષણો દેખાય તો તુરંત તબીબી નિષ્ણાતની સલાહ લેવા અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે વાલીઓને અપીલ કરી છે. સમયસર નિદાન અને સારવાર ન મળે તો આ સ્થિતિ વધુ ઘાતક બની શકે છે.

બોક્સ મેટર: 'ટ્રાઇકોબેઝોઆર' શું છે?

'ટ્રાઇકોબેઝોઆર' એ એવી દુર્લભ મેડિકલ સ્થિતિ છે જેમાં ગળેલા વાળ પેટ અથવા આંતરડામાં જમા થઈને એક મોટી ગાંઠ બનાવી દે છે. વાળ કુદરતી રીતે પાચન થઈ શકતા નથી, તેથી તે પેટમાં જમા થઈ રહે છે. આના મુખ્ય લક્ષણોમાં સતત પેટમાં દુખાવો, ઉલટી, ભૂખ ન લાગવી અને વજન ઘટવું સામેલ છે. આવા લક્ષણો દેખાય ત્યારે તુરંત એન્ડોસ્કોપી કે સીટી સ્કેન દ્વારા નિદાન કરી સર્જરી કે અન્ય યોગ્ય સારવાર મેળવવી અનિવાર્ય છે.