સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5 વિદ્યાર્થીઓ ટોપ-10માં ઝળક્યા
- ધોરણ-12 સાયન્સમાં ગોંડલના BAPS સ્વામિનારાયણ ગુરુકુળનો ડંકો
સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ-12 સાયન્સના પરિણામમાં ગોંડલની સુપ્રસિદ્ધ BASP સ્વામિનારાયણ ગુરુકુળએ આ વર્ષે પણ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી ગોંડલ શહેર તેમજ સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધાર્યું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્થાએ ઉત્તમ પરિણામોની શ્રેણી જાળવી રાખી છે. સમગ્ર બોર્ડમાં ગુરુકુળના 5 વિદ્યાર્થીઓએ ટોપ-10માં સ્થાન મેળવી સંસ્થાની શ્રેષ્ઠ પરંપરા યથાવત રાખી છે.
વિગત મુજબ, સમગ્ર ગુજરાત બોર્ડમાં ઓમ પટેલે 99.99 PR સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સામાન્ય ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતાના પુત્ર મિલન ખાણધર 99.98 PR સાથે દ્વિતીય સ્થાન મેળવી પ્રેરણાદાયક સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ ઋત્વિક લીંબાસીયાએ 99.97 PR સાથે ત્રીજા ક્રમે સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.
આ ઉપરાંત, સમગ્ર ગુરુકુળ, કુમાર તથા કન્યા શાળામાંથી કુલ 23 વિદ્યાર્થીઓએ 99 PRથી વધુ ગુણ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું છે.
કોમર્સ પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ સરસ પ્રદર્શન કરતાં 28 વિદ્યાર્થીઓએ 99 PRથી વધુ ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા પાછળ સંસ્થાના શિક્ષકોનું માર્ગદર્શન, સંચાલનનો સહકાર અને વિદ્યાર્થીઓની મહેનત મુખ્ય કારણરૂપ છે.
આ પ્રસંગે BAPS સંસ્થાના નિર્ભય સ્વામી તથા આચાર્યશ્રી, તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.