Loading Please Wait !!!
રાજકોટના રેસકોર્સ રોડનું રાત્રિ ખાણીપીણી બજાર ડેન્જર ઝોન

  • હેડ ક્વાર્ટરથી કિશનપરા સુધી લારીઓના અડીંગાથી સર્જાતો ભારે ટ્રાફિક જામ
  • ઇમર્જન્સી વાહનોને પણ અવરોધ, તંત્ર અને લારીવાળા વચ્ચે મસમોટા વહીવટનો આક્ષેપ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટના રેસકોર્સ રોડ પર રાત્રિના સમયે ઊભું થતું ખાણીપીણી બજાર હવે શહેરના નાગરિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. હેડ ક્વાર્ટરથી કિશનપરા સુધીના માર્ગ પર પસાર થવામાં સામાન્ય રીતે ખૂબ ઓછો સમય લાગે છે, પરંતુ આ વિસ્તારમાં રાત્રે ભારે ટ્રાફિક અને રસ્તા પર બેધડક ઊભી રહેતી અનિયંત્રિત લારીઓને કારણે વાહનચાલકોને પસાર થવામાં બહુ વધુ સમય લાગી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે આ મુદ્દે લાલબત્તી ધરતા જણાવ્યું છે કે, આ માત્ર ટ્રાફિકનો પ્રશ્ન નથી પરંતુ નાગરિકોની સુરક્ષાનો પણ મોટો ઈશ્યુ છે. રસ્તા પર બેધડક લારીઓના કારણે ટ્રાફિક જામ થવાની સાથે રાત્રિના સમયે વાહન અકસ્માતની શક્યતાઓ ખૂબ વધી જાય છે. એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી વાહનો માટે પણ મોટો અવરોધ ઉભો થાય છે, જ્યારે પગપાળા ચાલતા લોકો માટે આ વાતાવરણ અત્યંત જોખમભર્યું બની ગયું છે. પ્રશાસન દ્વારા યોગ્ય દેખરેખના અભાવે આડેધડ લારીઓ ઊભી રહે છે.

આ સમગ્ર પરિસ્થિતિ જોતા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ખાણીપીણી લારીઓના સંચાલકો સાથે ક્યાંક કોઈ મસમોટો વહીવટ ચાલી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં તાત્કાલિક જાગીને નક્કર નિર્ણય લેવાની તાતી જરૂરિયાત છે.

તંત્ર સમક્ષ 5 મુખ્ય માંગણીઓ
મયુર શાહે તંત્ર સમક્ષ માંગ કરી છે કે, 1) રેસકોર્સ રોડ પર રાત્રિના સમયમાં લારીઓ માટે 1 નિયંત્રિત ઝોન નક્કી કરવામાં આવે. 2) ટ્રાફિક પોલીસ દ્વારા કડક ડ્રાઇવ યોજી નિયંત્રણ લાદવામાં આવે. 3) વિસ્તારમાં CCTV અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. 4) એમ્બ્યુલન્સ જેવા ઇમર્જન્સી વાહનો માટે ક્લિયર કોરિડોર બનાવવો. 5) ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર લારીઓ સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે.