રાજકોટમાં PGVCLના MDના નામે .45.60 લાખની ઠગાઈ
- સાયબર ગઠીયાએ પ્રાઇવેટ નંબર હોવાનું કહીને RTGS થી રૂ.45,60,904 ટ્રાન્સફર કરી દિધા, બીજો મેસેજ રૂ.30.60 લાખનો આવતા ભાંડો ફૂટ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં સાયબર ગઠિયાઓએ પીજીવીસીએલ (PGVCL) ના એમડીના નામે 1 મોટો ફ્રોડ કર્યો છે. સાયબર ગઠિયાઓએ રાજકોટ PGVCL ના જનરલ મેનેજર પાસેથી 45.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે. ત્યારબાદ ફરીથી 30.60 લાખનું પેમેન્ટ કરવાનો મેસેજ આવતા મેનેજરે ખરાઈ કરી હતી, જેમાં આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં પૈસા પશ્ચિમ બંગાળના 1 એકાઉન્ટમાં ગયા હોવાનું ખૂલ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા અને PGVCL ની લક્ષ્મીનગર મેઇન બ્રાન્ચમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ) તરીકે 14 વર્ષથી ફરજ બજાવતા કિંતુકુમાર શશીકાંતભાઈ મલકાણ (ઉં.વ. 54) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમના મોબાઈલ પર બપોરે 1 વાગ્યે 1 અજાણ્યા નંબર (9708561452) પરથી મેસેજ આવ્યો હતો, જેમાં PGVCL ના MD કેતન જોષીનો પ્રોફાઈલ ફોટો રાખેલો હતો. મેસેજમાં મનીષા મંડલના બેંક એકાઉન્ટની વિગતો આપી તેમાં તાત્કાલિક 45,60,904 રૂપિયાનું RTGS કરવા જણાવાયું હતું.
મેનેજરે આ મેસેજ સાચો માનીને જીમખાના SBI બેંક મારફતે 45.60 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી દીધું હતું. ત્યારબાદ થોડીવારમાં જ વધુ 1 મેસેજ આવ્યો, જેમાં 30,60,801 રૂપિયાનું RTGS કરવા જણાવાયું હતું. આ મેસેજ આવતા મેનેજરને શંકા ગઈ હતી અને તેમણે સીધા MD કેતન જોષી સાથે વાત કરી ખરાઈ કરતા સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થયું હતું.
પશ્ચિમ બંગાળના બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ
સાયબર ગઠિયાઓએ 1 સુઆયોજિત કાવતરું ઘડીને આ મોટી છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા વોટ્સએપ નંબર અને બેંક એકાઉન્ટ ધારક સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જનરલ મેનેજર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલા 45,60,904 રૂપિયા પશ્ચિમ બંગાળના 1 બેંક એકાઉન્ટમાં જમા થયા હોવાનું ખૂલ્યું છે. સાયબર સેલ હવે આ દિશામાં વધુ સઘન તપાસ ચલાવી રહી છે.