Loading Please Wait !!!
રાજકોટ સ્માર્ટ ટેન્કર સિટી!

  • સ્માર્ટ રાજકોટમાં પાણીનું સંકટ; છેવાડાના વિસ્તારોમાં ટેન્કર જ સહારો
  • મહિલાઓ અને સ્થાનિકોની મુશ્કેલી વધી
  • પાણીની અછતથી લોકોમાં રોષનો માહોલ
  • 400 MLD જરૂરિયાત સામે પુરવઠા પર દબાણ
  • નળ સૂકા, ટેન્કર આગળ લોકોની લાઈનો
  • ચૂંટણી પહેલા 24 કલાક પાણીના વચનનું સૂરસૂરીયું

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં ઉનાળાની ગરમી વધતા પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણી માટે લોકોમાં પોકાર ઉઠ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 11 અને 12 ઉપરાંત લક્ષ્મીના ધોળા તેમજ વાવડી વિસ્તારના અંતિમ વિસ્તારોમાં પાણીની અછત સર્જાતા મહાનગરપાલિકાએ ટેન્કર મારફત પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે.

પૂર્વ અને પશ્ચિમ રાજકોટના અનેક છેવાડાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી નિયમિત પાણી ન મળતા લોકો પરેશાન બન્યા છે. અનેક વિસ્તારોમાં મહિલાઓ અને સ્થાનિકો પાણી માટે લાંબી રાહ જોતા જોવા મળી રહ્યા છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હાલ શહેરમાં પાણીના ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરને દૈનિક અંદાજે 400 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. શહેરમાં પાણી વિતરણ માટે મુખ્યત્વે આજી ડેમ, ન્યારી ડેમ અને સૌની યોજના મારફત મળતા નર્મદાના નીર પર નિર્ભરતા રાખવામાં આવી રહી છે. જોકે ઉનાળાની સિઝનમાં પાણીની માંગ વધતા છેવાડાના વિસ્તારોમાં પૂરતું પ્રેશર ન મળતા મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાને સંતુલિત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે, ત્યારે બીજી તરફ સ્થાનિકોમાં પાણીની સમસ્યાને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે.

પાણીના વચનો સામે વાસ્તવિકતા કઠોર
શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણીની તંગી વધતા મહાનગરપાલિકાએ ટેન્કર મારફત પાણી પહોંચાડવાની ફરજ પડી છે. ખાસ કરીને વોર્ડ નં.11, 12, વાવડી અને લક્ષ્મીના ધોળા વિસ્તારમાં લોકો ટેન્કર પર આધારિત બન્યા છે. ચૂંટણી પહેલા 24 કલાક પાણી આપવાના દાવા થયા હતા, પરંતુ ઉનાળો શરૂ થતા જ અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો હેરાન થઈ રહ્યા છે. ઓછા પ્રેશર અને વધતી માંગને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.