રાજકોટ SOGનો વામ્બે આવાસમાં મોટો સપાટો: 19 કિલો ગાંજા સાથે સગીરા ઝડપાઈ, જંગલેશ્વરનું દંપતી ફરાર!
- પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ સગીરા એકલી રહેતી હતી – સોયબ અને જેબા તૈલીએ આપ્યો હતો જથ્થો
- NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ – જંગલેશ્વરના રીઢા ગુનેગાર દંપતીએ ગાંજો સાચવવા આપ્યો હોવાનો ખુલાસો
- SOG એ બાતમીના આધારે પાડી રેઈડ – સોયબ તૈલી વિરુદ્ધ અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે NDPS ના ગુના
રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી એક ચોક્કસ બાતમીના આધારે શહેરના વામ્બે આવાસ ક્વાર્ટરમાં મોટી રેઈડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને કૈલાશ કેવલમ મેઈન રોડ પર સ્થિત એક ક્વાર્ટરમાંથી અંદાજે 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક સગીરાને ઝડપી પાડી તેની પાસેથી કુલ 9.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસની કરુણતા એ છે કે પકડાયેલ સગીરાના પિતા હયાત નથી અને માતાએ અન્યત્ર લગ્ન કરી લીધા હોવાથી તે છેલ્લા આઠ મહિનાથી આ ક્વાર્ટરમાં એકલી રહેતી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ ચોંકાવનારી કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે આ ગાંજાનો જથ્થો તેને સાચવવા માટે જંગલેશ્વર વિસ્તારના રહેવાસી સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી આપી ગયા હતા. આ દંપતીએ સગીરાની એકલતા અને નિરાધાર સ્થિતિનો લાભ ઉઠાવી તેને આ ગેરકાયદેસર વ્યવસાયમાં પ્યાદું બનાવી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર દંપતીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે ફરાર આરોપી સોયબ તૈલી એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ NDPS ના બે અને જુગારના બે મળી કુલ પાંચ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેની પત્ની જેબા તૈલી પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, જેની વિરુદ્ધ ગોંડલ સિટીમાં NDPS નો ગુનો નોંધાયેલો છે. પોલીસ તપાસ મુજબ, આ ત્રણેય આરોપીઓ સાથે મળીને આ નશાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલમાં પોલીસે સગીરાના કબજામાંથી 9.53 લાખની કિંમતનો ગાંજો, એક મોબાઈલ ફોન અને 5000 રૂપિયા રોકડ કબજે કર્યા છે. આરોપી સગીરાની વયને ધ્યાનમાં રાખીને તેને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપવામાં આવી છે. રાજકોટમાં ડ્રગ્સના વેપારીઓ હવે લાચાર અને નિરાધાર બાળકો કે સગીરોને પોતાનું હથિયાર બનાવી રહ્યા હોવાનું આ કિસ્સા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. પોલીસ કમિશનરના આદેશ અનુસાર શહેરમાં નશામુક્તિ અભિયાન હેઠળ આવી પ્રવૃત્તિઓ ડામવા માટે SOG વધુ કડક પગલાં ભરી રહી છે.
આગામી દિવસોમાં સોયબ અને જેબા તૈલીની ધરપકડ બાદ રાજકોટના જંગલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કના વધુ મોટા પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસે આ કેસમાં કડીઓ મેળવીને આગળની તપાસ તેજ કરી છે.