Loading Please Wait !!!
રાજકોટમાં ‘માતેલા સાંઢ’ જેવો ટ્રક બેકાબૂ: 80 ફૂટ રોડ પર એક્ટિવા અને 3 કારને કચડ્યા, લોકોએ રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ

 

  • શ્યામલ ઉપવન પાસે અકસ્માતની હારમાળાથી ભયનો માહોલ; ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે મામલો થાળે પાડ્યો

  • પત્ની અને સાળીનો આબાદ બચાવ; ખીરસરાના ટ્રક ચાલક શૈલેષ ચૌહાણની ધરપકડ

  •  ઈનોવા, ફોર્ડ ફિગો અને ઈકો કારને પણ ટ્રકે લીધી હડફેટે; મૂળ સુત્રાપાડાના યુવાને નોંધાવી ફરિયાદ

    શહેરના વ્યસ્ત ગણાતા 80 ફૂટ રોડ પર ગત રાત્રિના સમયે એક બેકાબૂ ટ્રક ચાલકે અકસ્માતની હારમાળા સર્જી દેતા નાસભાગ મચી જવા પામી હતી. શ્યામલ ઉપવન પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે રસ્તાની સાઈડમાં ઉભેલા એક એક્ટિવા અને આગળ રહેલી ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

    સદ્નસીબે મોટી જાનહાનિ ટળી મૂળ સુત્રાપાડાના વતની અને હાલ રાજકોટમાં રહેતા રાજેશભાઈ બાંભણીયા પોતાના પત્ની અને સાળી સાથે 80 ફૂટ રોડ પર આઈસ્ક્રીમ લેવા ઉભા રહ્યા હતા. તેઓ જેવું એક્ટિવા ઉભું રાખીને દુકાનમાં ગયા, તે જ સમયે ટ્રક (GJ-03-CU-9753) ના ચાલકે એક્ટિવાને હડફેટે લીધું હતું. એક્ટિવા પાસે ઉભેલા પત્ની નમ્રતાબેન અને સાળી કિરણબેન તુરંત દૂર ખસી જતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારબાદ ટ્રકે લાઈનબંધ ઉભેલી ઈનોવા, ફોર્ડ ફિગો અને ઈકો કારને ફંગોળી દીધી હતી.

    પોલીસે મામલો થાળે પાડ્યો અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ રસ્તો જામ કરી દેતા તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે લોકોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. રાજેશભાઈની ફરિયાદના આધારે પોલીસે લોધિકાના ખીરસરા ગામમાં રહેતા ટ્રક ચાલક શૈલેષ હરિભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.