"રાજકોટ હાઈવે પર RTO નો સપાટો: 8 દિવસમાં 210 વાહનચાલકો પાસેથી 8 લાખનો દંડ વસૂલ્યો"
- અકસ્માત રોકવા 'રોંગ લેન' ડ્રાઈવિંગ સામે કડક કાર્યવાહી - હેવી વાહનો માટે લેન શિસ્તના આદેશ.
- HSRP નંબર પ્લેટ અને ઓવર પેસેન્જરના કેસમાં લાખોનો દંડ - અમદાવાદ-જામનગર હાઈવે પર ચેકિંગ તેજ.
- ઓવરટેકિંગના જોખમને ટાળવા વાહનચાલકોને અપાઈ કડક સમજ - કમિશનરના પરિપત્ર બાદ કાર્યવાહી.
રાજકોટ: ગુજરાતના હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના સરેઆમ ભંગને રોકવા માટે વાહન-વ્યવહાર કમિશનર દ્વારા લેવાયેલા કડક વલણ બાદ રાજકોટ RTO એક્શનમાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજકોટની આસપાસના મુખ્ય હાઈવે પર હાથ ધરાયેલી ચેકિંગ ડ્રાઈવમાં તંત્રએ 210 બેદરકાર વાહનચાલકોને મેમો ફટકારી રૂ. 8 લાખનો દંડ વસૂલ કર્યો છે.
રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાઈવે પર ખાસ કરીને 'રોંગ લેન ડ્રાઈવિંગ' અકસ્માતનું મુખ્ય કારણ બને છે. આથી, અમદાવાદ-મોરબી અને જામનગર-ગોંડલ જેવા વ્યસ્ત હાઈવે પર ટીમો તૈનાત કરી રોંગ લેનમાં વાહન ચલાવનારા 120 ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) વગર ફરતા 35 વાહનો અને ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરીને જોખમી મુસાફરી કરાવતા 55 વાહનો સામે પણ દંડકીય પગલાં લેવાયા છે.
હેવી વાહનો માટે 'લેન ડિસિપ્લિન' પર ભાર આ ડ્રાઈવ દરમિયાન આરટીઓ દ્વારા ટ્રક અને ટ્રેલર જેવા હેવી વાહનોના ચાલકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓએ પોતાનું વાહન હાઈવેની ત્રીજી લેનમાં જ ચલાવવું. હેવી વાહનો વચ્ચેની કે પ્રથમ લેનમાં ચાલતા હોવાથી નાના વાહનચાલકોને ડાબી કે જમણી બાજુથી જોખમી ઓવરટેક કરવું પડે છે, જે ઘણીવાર જીવલેણ અકસ્માતમાં પરિણમે છે.
ગેરકાયદે મુસાફરી અને માઈનિંગ વાહનો પર નજર કમિશનરના પરિપત્ર મુજબ, ઘણા ખાનગી વાહનો ટેક્સી તરીકે ગેરકાયદે મુસાફરોની હેરફેર કરે છે, જે મુસાફરોની સુરક્ષા માટે મોટો પડકાર છે. સાથે જ, ક્વોરી અને માઈનિંગ પ્રવૃત્તિમાં રોકાયેલા નંબર પ્લેટ વગરના વાહનો પણ રડારમાં છે. રાજકોટ RTO આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખશે તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.