Loading Please Wait !!!
રાજકોટ મનપા જંગ: કોંગ્રેસ આવતીકાલે જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી, 20 'જૂના જોગીઓ'ના નામ ફાઈનલ!

  • ટેલિફોનિક જાણ કરાતા ઉમેદવારો પ્રચારમાં જોતરાયા - ભાજપ 9 Aprilએ જાહેર કરી શકે છે પ્રથમ લિસ્ટ.
  • ભાજપમાં બેઠકોનો ધમધમાટ - દરેક વોર્ડમાંથી 16 નામોની પેનલ મંગાવાઈ, 9મીએ કેસરીયો કેમ્પ ખોલશે પત્તા
  • રાજકોટમાં ભાજપ પહેલા કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરી બાજી મારશે? 5 Aprilએ પ્રથમ લિસ્ટ

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી દીધી છે. તાજા અહેવાલ મુજબ, કોંગ્રેસ પક્ષ આવતીકાલે 5 Aprilના રોજ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહ્યો છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ દ્વારા 9 Aprilની આસપાસ સત્તાવાર યાદી જાહેર થાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

કોંગ્રેસના આંતરિક વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર કોંગ્રેસમાં આશરે 20 જેટલા ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. પક્ષે આ વખતે કોઈ નવો પ્રયોગ કરવાને બદલે 'જૂના જોગીઓ' અને અનુભવી ચહેરાઓને જ મેદાને ઉતારવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. પક્ષ માને છે કે અનુભવી ઉમેદવારો સ્થાનિક પ્રશ્નો અને મતદારોના મિજાજને વધુ સારી રીતે સમજી શકે છે.

મહત્વની વાત એ છે કે, જે 20 ઉમેદવારોના નામ ફાઇનલ થયા છે તેમને પ્રદેશ કક્ષાએથી ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી છે. આ સૂચના મળતા જ સંભવિત ઉમેદવારોએ પોતપોતાના વોર્ડમાં જનસંપર્ક અને પ્રચારની પૂર્વતૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આવતીકાલે જ્યારે સત્તાવાર યાદી બહાર આવશે ત્યારે આ નામો પર મહોર વાગી જશે અને કોંગ્રેસ પ્રચારમાં અન્ય પક્ષો કરતા વહેલી નીકળવાની રણનીતિ અપનાવી રહી છે.

બીજી તરફ, રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ આજે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. શહેર પ્રમુખ અને પ્રભારીઓની આ બેઠકમાં દરેક વોર્ડના સંગઠન પાસેથી એક બેઠક દીઠ 4-4 નામોની યાદી મંગાવવામાં આવી છે. એટલે કે દરેક વોર્ડમાંથી કુલ 16 નામોની પેનલ શહેર સંગઠન પાસે આવશે. આ નામોની શિસ્ત, લોકપ્રિયતા અને જીતવાની ક્ષમતાના આધારે ચકાસણી કરવામાં આવશે.

ભાજપમાં ટિકિટ માંગનારા દાવેદારોનો ભારે રાફડો ફાટ્યો હોવાથી પસંદગી પ્રક્રિયામાં વધુ મંથન થઈ રહ્યું છે. શહેર સંગઠન આ યાદીને આખરી ઓપ આપીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશે. ભાજપમાં નવા અને જૂના કાર્યકરો વચ્ચે સંતુલન જાળવવું એ મોટો પડકાર છે, જેને કારણે 9 April સુધીમાં પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા છે. હાલમાં તો રાજકોટના રાજકારણમાં કયો પક્ષ કોને મેદાને ઉતારશે તે અંગે ચોરેને ચૌટે ચર્ચાઓ શરૂ થઈ છે.