"રાજકોટમાં હાઈબ્રીડ ગાંજાનો પર્દાફાશ: સ્પીકરમાં ડ્રગ્સ છુપાવી લાવતા મુંબઈના યુવકના ઘરેથી ₹10 લાખનો જથ્થો મળ્યો"
- રિમાન્ડ દરમિયાન SOG પોલીસની મોટી કાર્યવાહી - 1 ગ્રામ ગાંજાની કિંમત ₹4000 વસૂલતો હતો ધ્રુવ જોશી.
- 5 દિવસના રિમાન્ડમાં આરોપીએ પોપટની જેમ સત્ય ઓક્યું - અમદાવાદ નહીં પણ મુંબઈ હતું સપ્લાય સેન્ટર.
- 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન હેઠળ પોલીસ એક્શનમાં - મુંબઈ કનેક્શન ખુલતા તપાસનો વ્યાપ વધારાયો.
રાજકોટ: રાજકોટ શહેર પોલીસના 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન અંતર્ગત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ હાઈબ્રીડ ગાંજાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 18 માર્ચે યુનિવર્સિટી રોડ પરથી ઝડપાયેલા મુંબઈના યુવક ધ્રુવ જોશીના 5 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરતા વધુ ₹10.36 લાખની કિંમતનો 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો છે.
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવ જોશી છેલ્લા દોઢ-બે વર્ષથી રાજકોટમાં રહીને નશાનો કાળો કારોબાર ચલાવતો હતો. તેની પૂછપરછમાં ડ્રગ્સ સપ્લાયની ચોંકાવનારી પદ્ધતિ સામે આવી છે. આરોપી મુંબઈથી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ખાંચા પાડીને તેની અંદર હાઈબ્રીડ ગાંજાનો જથ્થો છુપાવી દેતો હતો અને આ સ્પીકરો પાર્સલ સર્વિસ મારફતે રાજકોટ મંગાવતો હતો જેથી કોઈને શંકા ન જાય.
શરૂઆતમાં આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ કર્યું હતું, પરંતુ પોલીસની આગવી ઢબે પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે આ મોંઘોદાટ ગાંજો તે મુંબઈથી લાવતો હતો. આ હાઈબ્રીડ ગાંજો સામાન્ય ગાંજા કરતા અનેકગણો નશીલો અને કિંમતી હોય છે, જેના એક ગ્રામના તે રાજકોટના ગ્રાહકો પાસેથી ₹4,000 સુધી વસૂલતો હતો.
પોલીસે અત્યાર સુધીમાં કુલ ₹12.78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજકોટમાં આ મોંઘું ડ્રગ્સ ખરીદનારા ગ્રાહકો કોણ છે અને મુંબઈમાં આ જથ્થો તેને કોણ સપ્લાય કરતું હતું. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.