"મોંઘવારીના ખપ્પરમાં રાજકોટ: કોંગ્રેસે થાળી-વેલણ વગાડી PM મોદીના 'કોરોના કાળ'ની યાદ અપાવી, અનોખો વિરોધ"
- ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મહિલા કોંગ્રેસ લાલઘૂમ - દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં પ્રદર્શન
- "કોરોનામાં ભગાડવા વગાડી હતી, હવે બોલાવવા વગાડીએ છીએ" - દીપ્તિબેનનો સરકાર પર આકરો પ્રહાર
- નોટબંધીથી લઈને પેટ્રોલ પંપની લાઈનો સુધીના કટાક્ષ - રાજકોટના માર્ગો પર કોંગ્રેસનું જોરદાર શક્તિ પ્રદર્શન
વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર દેખાઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં જે મોંઘવારીનો માર પડ્યો છે, તેની સામે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. શહેર મહિલા પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી થાળી અને તાળી વગાડી વડાપ્રધાનના કોરોના કાળના આહવાનની યાદ અપાવી હતી.
"પેટ્રોલ-ડીઝલને બોલાવવા માટે વગાડીએ છીએ થાળી" વિરોધ પ્રદર્શન દરમિયાન દીપ્તિબેન સોલંકીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "વડાપ્રધાને કોરોના કાળમાં થાળી, તાળી અને મંજીરા વગાડીને કોરોના ભગાડવાની અપીલ કરી હતી. આજે અમે એ જ થાળી વગાડી રહ્યા છીએ, પણ કોરોના ભગાડવા નહીં પરંતુ મોંઘા થયેલા અને 'ગાયબ' થયેલા સસ્તા પેટ્રોલ-ડીઝલને 'બોલાવવા' માટે." તેમણે ઉમેર્યું કે ભાજપ સરકાર જ્યારથી આવી છે ત્યારથી જનતાને માત્ર લાઈનોમાં જ ઉભી રાખી છે.
લાઈનોની સરકાર પર કટાક્ષ કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પહેલા નોટબંધીની લાઈન, પછી કોરોનામાં હોસ્પિટલોની લાઈન અને હવે મોંઘવારીને કારણે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી રહી છે. સરકાર લોકોને 'આત્મનિર્ભર' બનવાના નામે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહી છે. આ કાર્યક્રમ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી કે આગામી સમયમાં લાઈનોમાં ઉભા રહેવાને બદલે મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી આ મોંઘવારીનો જવાબ આપે.
મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા રાજકોટના મુખ્ય માર્ગો પર યોજાયેલા આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં રણજીત મુંધવા, રહીમભાઈ સોરા, જયાબેન ટાક અને વિભૂતિ ત્રિવેદી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ભાવવધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.