Loading Please Wait !!!
રાજકોટ ભાજપ સેન્સનો બીજો દિવસ: પૂર્વ મેયર પ્રદીપ ડવની 'પ્રોક્સી' દાવેદારી, અમદાવાદમાં નિરીક્ષક હોવાથી પ્રતિનિધિએ ફોર્મ ભર્યું!

આજે 6 વોર્ડના મૂરતિયાઓનો જમાવડો - લીલુબેન જાદવ અને વિક્રમ પૂજારા સહિતના દિગ્ગજો મેદાનમાં

12 વોર્ડના 656 દાવેદારો બાદ આજે બાકીના વોર્ડમાં ખેંચતાણ - દર્શનાબેન વાઘેલાની હાજરીમાં નિરીક્ષણ શરૂ

વોર્ડ 9, 10, 11, 12, 16 અને 18 માં સેન્સ પ્રક્રિયા તેજ - શિલ્પાબેન જાવિયા અને રણજિત સાગઠીયાએ પણ ઠાલવ્યો બાયોડેટા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવાની ભાજપની કવાયત આજે બીજા દિવસે વધુ તેજ બની છે. સવારના 10 વાગ્યાથી જ શહેરના બાકી રહેલા 6 વોર્ડના કાર્યકરો બાયોડેટા અને સમર્થકો સાથે ઉમટી પડ્યા છે. આજના દિવસે સૌથી વધુ ચર્ચા પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવની રહી છે, જેઓ પોતે અમદાવાદમાં નિરીક્ષક હોવા છતાં રાજકોટમાં પોતાની દાવેદારી નોંધાવી છે.

વોર્ડ નં. 15: ભાજપ માટે 'લોઢાના ચણા' ભાજપ માટે સૌથી મોટી ચિંતા અને પડકાર વોર્ડ નંબર 15 છે. અહીં અત્યાર સુધી ભાજપ ક્યારેય વિજય મેળવી શક્યું નથી. આ વખતે અહીં માત્ર 25 દાવેદારોએ હિંમત બતાવી છે. પ્રદેશ પ્રમુખે શહેર ભાજપને આ વોર્ડ જીતવા માટે ખુલ્લી ચેલેન્જ આપી છે, જેના કારણે અહીં કયા મજબૂત ઉમેદવારને ઉતારવા તે માટે નિરીક્ષકો ખાસ મંથન કરી રહ્યા છે.

દિગ્ગજોની લાઈન અને નવી પેનલની તૈયારી આજે સેન્સ આપનારાઓમાં લીલુબેન જાદવ, શિલ્પાબેન જાવિયા, રણજિત સાગઠીયા અને જ્યોત્સ્નાબેન ટીલાળા જેવા જાણીતા ચહેરાઓ સામેલ છે. નિરીક્ષકોની ટીમ (જેમાં મંત્રી દર્શનાબેન વાઘેલા અને પૂર્વ સાંસદ ભાવનાબેન દવે સામેલ છે) દરેક દાવેદારને સાંભળીને 18 વોર્ડની આખરી યાદી તૈયાર કરશે. આ યાદી પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે, જ્યાંથી આખરી મૂરતિયાઓના નામ જાહેર થશે. રાજકોટમાં 2021 માં 60 નવા ચહેરા લાવવાનો પ્રયોગ સફળ રહ્યો હતો, શું આ વખતે પણ એવું જ કઈ જોવા મળશે? તે સવાલ અત્યારે કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.