Loading Please Wait !!!
રાજકોટ ભાજપમાં ટિકિટ જાહેર થતા જ 'ભડકો': નીતિન રામાણીના સમર્થકોએ 'કમલમ' ગજવ્યું, દિગ્ગજોના પતા કપાયા!

  • 72 માંથી માત્ર 22 કોર્પોરેટરો જ રિપીટ – વોર્ડ-13 માં પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા રામાણી જૂથ લાલચોળ
  • પૂર્વ ડેપ્યુટી મેયર અને દંડકની બાદબાકી – 19 વોર્ડના 76 ઉમેદવારોના નામ જાહેર થતા ક્યાંક આતશબાજી તો ક્યાંક આક્રોશ
  • વોર્ડ-13 માં બંધ બારણે બેઠક બાદ મામલો થાળે પાડવા પ્રયાસ – પુષ્કર પટેલ અને ડો. માધવ દવેએ રામાણીને મનાવ્યા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. પક્ષે 'નો-રિપીટ' થીયરીનો કડક અમલ કરતા 72 માંથી 50 પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખી છે. જોકે, આ યાદી જાહેર થતાની સાથે જ વોર્ડ નંબર 13 માં આંતરિક અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કાપી પંકજ લુણાગરિયાને તક આપવામાં આવતા રામાણીના સમર્થકોએ ભાજપ કાર્યાલય 'કમલમ' માથે લીધું હતું.

આશરે 50 થી વધુ સમર્થકો સાથે કમલમ પહોંચેલા નીતિન રામાણીના ટેકેદારોએ "નીતિનભાઈ તુમ આગે બઢો..." ના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિ તણાવપૂર્ણ બનતા સીનિયર નેતા પુષ્કર પટેલ મધ્યસ્થી કરવા આગળ આવ્યા હતા. ત્યારબાદ શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીની હાજરીમાં નીતિન રામાણી સાથે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી, જેમાં રામાણીને પક્ષના શિસ્તનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.

બીજી તરફ, યાદીમાં પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, પૂર્વ દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વિનુ ઘવા જેવા દિગ્ગજોના પતા કપાયા છે. પક્ષે આ વખતે જ્ઞાતિ સમીકરણો અને યુવા ચહેરાઓ પર વધુ ભાર મૂક્યો છે. વોર્ડ-13 માં નવા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો, પરંતુ નીતિન રામાણીનો આ વિરોધ આગામી મતદાન પર કેટલી અસર કરશે તે મોટો સવાલ છે.

રાજકોટના 19 વોર્ડમાં ભાજપે જે રીતે મોટા માથાઓની બાદબાકી કરી છે, તે જોતા આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં પણ છૂટોછવાયો વિરોધ જોવા મળી શકે છે. હાલ પૂરતો મામલો થાળે પાડવામાં નેતાગીરી સફળ રહી છે, પરંતુ અંદરખાને રહેલો અસંતોષ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.