RMC નો આવાસ મેળો ‘ફ્લોપ શો’ ભણી? ₹2 લાખમાં ઘર મળતું હોવા છતાં રાજકોટવાસીઓને રસ નથી!
-
1057 આવાસો સામે માત્ર 454 ફોર્મ ભરાયા; જૂના ખંઢેર પર ‘થીગડાં’ મારીને વેચવાની નીતિ ઊંધા માથે પછડાઈ
-
23 હાઈરાઈઝ આવાસ માટે 4 હજાર ફોર્મનો ઢગલો, જ્યારે 1000 થી વધુ સસ્તા આવાસ માટે ગણીગાંઠી અરજીઓ
-
20 વર્ષ જૂના જર્જરિત સ્ટ્રક્ચરને કલરકામ કરી ‘નવા’ તરીકે રજૂ કરવાની મનપાની રણનીતિ નિષ્ફળ?
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા હાલમાં વિવિધ આવાસ યોજનાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, આ પ્રક્રિયામાં એક ચોંકાવનારું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના છેવાડે આવેલા પ્રેમમંદિર અને પોપટપરા વિસ્તારમાં માત્ર ₹2 લાખની નજીવી કિંમતે મળતા 1 BHK આવાસો લેવામાં લોકો જરાય રસ દાખવી રહ્યા નથી. બીજી તરફ, આધુનિક સુવિધાયુક્ત 2 અને 3 BHK આવાસો માટે અરજીઓનો જાણે ઢગલો થયો છે.
ખંઢેર જેવું માળખું અને લોકોની દહેશત મનપા દ્વારા જે 1057 આવાસો ₹2 લાખમાં ઓફર કરવામાં આવ્યા છે, તે મૂળભૂત રીતે 2006માં BSUP યોજના હેઠળ બનેલા છે. આ મકાનો છેલ્લા 20 વર્ષથી માનવ વસવાટ વિના પડ્યા રહ્યા હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો અને 'ભૂતિયા બંગલા' જેવા ખંઢેરમાં ફેરવાઈ ગયા હતા. તંત્રએ આ જૂના સ્ટ્રક્ચરને તોડી પાડવાને બદલે માત્ર રંગરોગાન, ઈલેક્ટ્રિક વાયરિંગ અને રસોડામાં નવા પ્લેટફોર્મ બનાવી તેને 'નવા' તરીકે રજૂ કર્યા છે. લોકોમાં એવી દહેશત છે કે 20 વર્ષ જૂનું જર્જરિત બિલ્ડિંગ કેટલું મજબૂત હશે? પરિણામે 1057 મકાનો સામે 15 દિવસમાં માત્ર 454 જ ફોર્મ ભરાયા છે.
LIG અને MIG માટે ભારે પડાપડી સસ્તા આવાસોમાં ભલે નીરસતા હોય, પરંતુ આધુનિક હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આવાસ મેળવવા રાજકોટવાસીઓએ પડાપડી કરી છે. માત્ર 6 LIG આવાસો માટે 1882 અને 17 MIG આવાસો માટે 2171 અરજીઓ આવી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે જનતા સસ્તા કરતાં સુરક્ષિત અને આધુનિક આવાસમાં રહેવાનું વધુ પસંદ કરી રહી છે.
તંત્રની રણનીતિ સામે સવાલ એન્જિનિયરિંગ નિષ્ણાતોનું માનવું છે કે મનપા પાસે તક હતી કે આ જૂના સ્ટ્રક્ચરને તોડીને ત્યાં 12-14 માળના નવા બિલ્ડિંગો બનાવવામાં આવે. જો ત્યાં કોમર્શિયલ સેન્ટર બનાવ્યા હોત તો મનપાની તિજોરી ભરાઈ હોત. પરંતુ 'થીગડાં' મારવાની નીતિ હવે મનપા માટે 'લાખના બાર હજાર' જેવી સાબિત થઈ રહી છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 મે છે, ત્યારે જો પૂરતી અરજીઓ નહીં મળે તો તંત્રએ મુદત વધારવી પડી શકે છે.