Loading Please Wait !!!
સુરતના પાંડેસરામાં ચાલતા દેહ વ્યાપારના મોટા નેટવર્કનો પર્દાફાશ

3 મહિલાઓ અને 2 બાળમજૂરોને નરકમાંથી મુક્ત કરાવતી સુરત પોલીસ

પાંડેસરામાં દેહ વ્યાપારના અડ્ડા પર દરોડો પાડી 3 મહિલાઓને બચાવાઈ

દેહ વ્યાપાર અને બાળમજૂરી કરાવતા નરાધમો સામે કડક કાનૂની કાર્યવાહી

સિટી ન્યુઝ @ સુરત

સુરત શહેરમાં ગેરકાયદેસર દેહ વ્યાપાર અને બાળમજૂરી કરાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (A.H.T.U.) ની ટીમે પાંડેસરા વિસ્તારમાં ધમધમતા એક કુટણખાના પર સફળ દરોડો પાડીને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેહ વ્યાપારના દલદલમાંથી 3 ભારતીય મહિલાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે, જ્યારે ત્યાં કામ કરતા 2 સગીર વયના બાળકોને પણ સહી-સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના બિલ્ડિંગના પહેલા માળે 301 નંબરના બ્લોકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અહી અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ નામના શખસો બહારથી ગ્રાહકો બોલાવીને દેહ વ્યાપારનો અડ્ડો ચલાવતા હતા. આ મુખ્ય સંચાલકોએ અક્ષય મહતો અને વિજયકુમાર ડાહિયા નામના શખસોને કામકાજ માટે નોકરી પર રાખ્યા હતા. આર્થિક મજબૂરીનો લાભ ઉઠાવી મહિલાઓ પાસે પરાણે દેહ વ્યાપાર કરાવાતો હતો અને 2 નિર્દોષ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી.

દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત કુલ 66,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી 3 મુખ્ય આરોપીઓ હાજર ન મળતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે અને ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ 1956 તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ 2015 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેહ વ્યાપારમાંથી મુક્ત કરાયેલી 3 મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડાઈ છે, જ્યારે 2 સગીર બાળકોને સુરક્ષિત ભવિષ્ય માટે કતારગામ સ્થિત વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમને સોંપવામાં આવ્યા છે.

નરકમાંથી મળ્યો નવો જન્મ સુરત પોલીસની સરાહનીય અને ઝડપી કામગીરીથી દેહ વ્યાપાર તેમજ બાળમજૂરીના કાળા દલદલમાં ફસાયેલા 5 નિર્દોષ જીવોને આજે નવું જીવન મળ્યું છે. આર્થિક મજબૂરીનો ગેરલાભ ઉઠાવી મહિલાઓનું શારીરિક શોષણ થતું હતું. મુક્ત કરાયેલા 2 સગીર બાળકોને હવે કતારગામ સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં સુરક્ષિત આશ્રય પૂરું પાડવામાં આવ્યું છે. પોલીસની આ સખત કાર્યવાહીથી સ્થાનિક અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.