Loading Please Wait !!!
સુરત ભાજપની અનોખી દીકરી: ટિકિટ કપાવાના 48 કલાક પહેલા જ 'ભાજપ' પર Ph.D પૂર્ણ કર્યું!

  • "મારી ટિકિટ કપાઈ છે, સંસ્કાર નહીં" – પીએચ.ડી. થયા બાદ પણ ડૉ. સ્વાતિ સોસા પક્ષના પ્રચારમાં વ્યસ્ત
  • ભાજપના ઈતિહાસ પર લખ્યું થીસીસ – હવે દિલ્હીની નેશનલ લાઈબ્રેરીમાં વંચાશે સુરતની દીકરીનું રિસર્ચ
  • જનસંઘથી ભાજપ સુધીની 75 વર્ષની સફર કંડારી – વોર્ડ નં. 13 માં બાદબાકી છતાં સ્મિત સાથે પ્રચાર

ગુજરાતના રાજકારણમાં જ્યારે ટિકિટ કપાય ત્યારે અસંતોષ અને પક્ષપલટાના સમાચારો સામાન્ય છે, પરંતુ સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જે રાજકીય શિસ્ત અને બૌદ્ધિકતાનો નવો દાખલો બેસાડે છે. સુરતના પૂર્વ કોર્પોરેટર સ્વાતિબેન સોસાએ જે પક્ષે તેમની ટિકિટ કાપી, તે જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સંગઠન શક્તિ પર વર્ષો સુધી રિસર્ચ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી છે. આશ્ચર્યની વાત એ છે કે તેમને ડૉક્ટરેટ મળ્યાના માત્ર 48 કલાકમાં જ પક્ષે તેમનું નામ ઉમેદવારોની યાદીમાંથી બાકાત રાખ્યું હતું.

ડૉ. સ્વાતિ સોસાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપના 1947 થી 2022 સુધીના પ્રવાસ પર થીસીસ લખ્યો છે. આ માટે તેમણે જૂના જનસંઘી નેતાઓના ઈન્ટરવ્યુ લીધા અને કલાકો સુધી લાઈબ્રેરીઓમાં ડેટા એકત્રિત કર્યો. વોર્ડ નંબર 13 માંથી દાવેદારી હોવા છતાં ટિકિટ ન મળતા તેમણે પરિપક્વતા બતાવતા કહ્યું, "મેં પક્ષની કાર્યપદ્ધતિ પર જ સંશોધન કર્યું છે, એટલે મને ખબર છે કે પક્ષ વ્યક્તિ કરતા હંમેશા મોટો હોય છે. ટિકિટ કપાઈ છે, મારા સંસ્કાર નહીં."

તેમના આ સંશોધનની ગુંજ હવે દિલ્હી સુધી પહોંચી છે. દિલ્હીની નેશનલ લાઈબ્રેરી દ્વારા તેમના થીસીસને ઈ-લાઈબ્રેરીમાં સ્થાન આપવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. એટલે કે, જે ભાજપનો ઈતિહાસ તેમણે કાગળ પર કંડાર્યો છે, તે હવે આખી દુનિયા વાંચશે. ભણેલા-ગણેલા નેતા તરીકે સ્વાતિબેનની આ સિદ્ધિની નોંધ પ્રદેશ નેતૃત્વએ પણ લીધી છે.

રાજકોટમાં પણ જ્યારે ટિકિટ મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે સુરતના આ 'ડૉક્ટર' નેતાનો અભિગમ અન્ય કાર્યકરો માટે પ્રેરણારૂપ બન્યો છે. સ્વાતિબેને સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર એક વોર્ડ પૂરતા મર્યાદિત ન રહીને સુરતના તમામ 30 વોર્ડમાં ભાજપને જીતાડવા માટે લોહી-પરસેવો એક કરશે. રાજકીય વિશ્લેષકો માને છે કે પક્ષ આગામી સમયમાં તેમના આ જ્ઞાન અને નિષ્ઠાનો ઉપયોગ સંગઠનમાં કોઈ મહત્વના હોદ્દા માટે કરી શકે છે.